દેશના ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભાની કુલ 475 બેઠકો માટે મંગળવારે એકંદરે શાંતિપૂર્ણ રીતે ભારે મતદાન થયું હતું. પશ્ચિમ બંગાળમાં સાંજે 5.45 વાગ્યા સુધીમાં 77.68, આસમમાં 78.94, તમિલનાડુમાં 65 ટકા, પુડિચેરીમાં 77.90 ટકા અને કેરળમાં 70 ટકા મતદાન થયું હતું, એમ ચૂંટણીપંચના ડેટામાં જણાવાયું હતું.
પશ્ચિમ બંગાળમાં ત્રીજા તબક્કામાં વિધાનસભાની 31 બેઠકો માટે મતદાન થયું હતું, જ્યારે આસમમાં ત્રીજા અને અંતિમ તબક્કામાં 40 બેઠકો માટે મતદાન થયું હતું. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના ટીએમસી અને ભાજપ વચ્ચે મુખ્ય ટક્કર છે. પશ્ચિમ બંગાળમાં અગાઉના બે તબક્કાઓમાં મોટી સંખ્યામાં મતદાન થયું હતું. આસમમાં રાજ્યના પ્રધાન હેમંત બિસ્વા સહિત 337 ઉમેદવારોનું નસીબ ઈવીએમમાં સીલ થયા હતા. આસામમાં હાલ ભાજપની રાજ્ય સરકાર છે. કોંગ્રેસે અહીં બદરુદ્દીન અજમલ સાથે જોડાણ કર્યું છે.
આ રાજ્યોમાં અને ખાસ કરીને આસામ અને પશ્ચિમ બંગાળમાં મતદાનને ધ્યાનમાં રાખીને સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તમામ રાજ્યોના ચૂંટણી પરિણામ 2 મેના રોજ એક સાથે આવશે.
તમિલનાડુની 234 બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન થયું હતું. રાજ્યમાં બે મુખ્ય પક્ષો AIADMK અને DMK વચ્ચે ટક્કર છે. હાલમાં AIADMKની સરકાર છે. વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યપ્રધાન પલાનીસ્વામી, નાયબ મુખ્યપ્રધાન પનીરસેલ્વમ, ડીએમકે ચીફ એમ.કે.સ્ટાલિન, એક્ટર કમલ હસન પણ મેદાનમાં છે.
પોંડિચેરીની 30 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલા જ અહીં મુખ્યપ્રધાન નારાયણસ્વામીના નેતૃત્વ વાળી કોંગ્રેસ સરકારે બહુમત ગુમાવી દીધો હતો અને અહીં રાષ્ટ્રપતિ શાસન ચાલી રહ્યું છે.
કેરળમાં વિધાનસભાની કુલ 140 બેઠકો છે અને તમામ બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થયું હતું. લાંબા સમયથી અહીંયા સીપીઆઈ(એમ)ના નેતૃત્વ વાળી એલડીએફ અને કોંગ્રેસના નેતૃત્વ વાળી યુડીએફ એક પછી એક સરકાર બનાવે છે. આ વખતે ભાજપાએ અહીં જીતવા માટે ઘણી મહેનત કરી છે.