ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શહેરો બાદ ગામડામાં પણ ભાજપનો ભગવો લહેરાયો હતો અને પરંપરાત રીતે કોંગ્રેસનો ગઢ ગણાતા ગામડામાં પણ કોંગ્રેસને જાકારો મળ્યો હતો. ગુજરાતની નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં મંગળવાર, 3 માર્ચે ભાજપનો ભવ્ય વિજય થયો હતો અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા હતા.
ચૂંટણીના પરિણામનું રસપ્રદ પાસું એ છે કે રાજ્યના રાજકારણમાં આમ આદમી પાર્ટી અને અસાઉદ્દીન ઓવૈસીની AIMIMને નોંધપાત્ર સફળતા મળી હતી. આમ આદમી પાર્ટીને કુલ 16 બેઠકો મળી હતી. ઓવૈસીની પાર્ટીને મોડાસા નગરપાલિકામાં 9 બેઠકો મળી હતી અને તેને કોંગ્રેસ પાસેથી વિપક્ષનું પદ છીનવી લીધું હતું. સુરેન્દ્રગર જિલ્લાની વાંકાનેર તાલુકા પંચાયતમાં આઝાદી પછી પ્રથમ વખત BJPનું શાસન આવ્યું હતું.
રાજ્યની કુલ 81 નગપાલિકામાંથી ભાજપનો 75 પાલિકામાં વિજય થયો હતો. રાજ્યની તમામ 31 જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો હતો અને કોંગ્રેસ સાફ થઈ હતી. મોટાભાગની તાલુકા પંચાયતોમાં પણ ભાજપે વિજય મેળવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના થયેલા વિજયને વધાવી દીધો હતો. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ચૂંટણીના આ પરિણામને 2022માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના વિજયનો પાયો ગણાવ્યો હતો.
જિલ્લા પંચાયત
રાજ્યની તમામ 31 જિલ્લા પંચાયતમાં ભાજપનું કમળ ખીલ્યું હતું અને કોંગ્રેસને એકપણ જિલ્લામાં સફળતા મળી ન હતી. જિલ્લા પંચાયતની કુલ 980 બેઠકોમાંથી ભાજપને 787 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસને 167 બેઠકો મળી હતી. આની સામે 2015ની ચૂંટણીમાં ભાજપને માત્ર સાત જિલ્લા પંચાયતમાં વિજય મળ્યો હતો અને કોંગ્રેસનો 23 જિલ્લા પંચાયતમાં વિજય થયો હતો.
તાલુકા પંચાયત
રાજ્યની કુલ 231 તાલુકા પંચાયતમાંથી 196 તાલુકા પંચાયતમાં ભાજપનું કમળ ખીલ્યું હતું, જ્યારે કોંગ્રેસને માત્ર 33 તાલુકા પંચાયત મળી હતી. 231 તાલુકા પંચાયતોની કુલ 4,774 બેઠકોમાંથી ભાજપનો 3,328 બેઠકો પર વિજય થયો હતો અને કોંગ્રેસને 1,247 બેઠકો પર સફળતા મળી હતી. 2015ની ચૂંટણીમાં ભાજપને 142 તાલુકા પંચાયત અને કોંગ્રેસને 77 તાલુકા પંચાયત મળી હતી.
નગરપાલિકા
રાજ્યની કુલ 81 નગરપાલિકામાંથી 75 નગપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો હતો, જ્યારે કોંગ્રેસને માત્ર ચાર નગરપાલિકા મળી હતી. નગરપાલિકાની કુલ 2,720 બેઠકોમાંથી ભાજપને 2080 બેઠકો મળી હતી અને કોંગ્રેસને 385 બેઠકો મળી હતી. નગરપાલિકામાં આમ આદમી પાર્ટીને કુલ 9 નવ બેઠકો મળી હતી અને અન્ય પક્ષોનો 202 બેઠકો પર વિજય થયો હતો. 2015ની ચૂંટણીમાં ભાજપને 62 અને કોંગ્રેસને 16 નગપાલિકામાં વિજય મળ્યો હતો.
અગાઉ સ્થાનિક સ્વરાજ્યની 237 બેઠક બિનહરીફ થઇ હતી. જિલ્લા પંચાયતમાં ભાજપને 25 બિનહરીફ બેઠકો મળી હતી. નગરપાલિકામાં 95 બિનહરીફ બેઠકોમાંથી ભાજપને 92, કોંગ્રેસને 2, અન્યને 1 બેઠક મળી હતી, તાલુકા પંચાયતની કુલ 117 બિનહરીફ બેઠકોમાંથી ભાજપને 111, કોંગ્રેસને 5 અને અન્યને 1 બેઠકો મળી હતી.
28 ફેબ્રુઆરીના ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણીમાં જિલ્લા પંચાયતોમાં 66.60 ટકા, તાલુકા પંચાયતોમાં 65.80 ટકા અને નગરપાલિકાઓમાં 58.82 ટકા મતદાન થયું હતું. અગાઉ છ મહાનગરોની કુલ 576 બેઠકોમાંથી ભાજપનો 483 બેઠકો પર વિજય થયો હતો અને ભાજપે તમામ મહાનગરોમાં સત્તા મેળવી હતી.