ગુજરાતની છ મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર પડઘમ શુક્રવારે શાંત થયા હતા.પ્રચારના છેલ્લાં દિવસે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ભાજપ, કોંગ્રેસ. આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ રેલીઓ કાઢી હતી અને મતદાતાને રિઝવવાનો પ્રયાસ કર્યો હતો.
શનિવારથી ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરશે. એટલું જ નહીં, બૂથ મેનેજમેન્ટની તૈયારીમાં લાગી જશે. મતદારોને મતદાન કેન્દ્ર સુધી લઇ જવાનુ આયોજન કરવામાં આવશે. આમ, મહાનગરપાલિકા જીતવા માટે ભાજપ-કોંગ્રેસે મરણિયા પ્રયાસો કર્યાં છે. ભાજપે અત્યારથી દાવો કર્યો છે કે, તમામ મનપામાં કેસરિયો લહેરાશે.
અમદાવાદમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલે શુક્રવારે 17 વોર્ડ અને 7 વિધાનસભા કવર કરતી રેલી આશરે 6 કલાક સુધી એક વિશાળ રેલી કાઢી હતી. રેલીને કારણે સમગ્ર વિસ્તારમાં ટ્રાફિકજામ થયો હતો.
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટે વિવિધ વિસ્તારોમાં રેલી નીકળી હતી. વોર્ડ નં- 16માં કોંગ્રેસ અને ભાજપની રેલી આમને-સામને આવી જતાં ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના ઉમેદવારના પુત્ર ઉપર હુમલો કરતાં સામસામે છૂટાહાથની મારામારી, પથ્થરમારો અને લાકડીઓથી હુમલો થયો હતો. ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ 19 વોર્ડમાં સવારે 8થી 12 દરમિયાન સ્કૂટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.