સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં ઘૃણા અને અફવા ફેલાવા માટે ભાજપ ગુજરાતથી કાર્યકારોની આયાત કરતો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે આ મુદ્દાની તપાસ કરવા ચૂંટણીપંચને અનુરોધ કર્યો હતો. ચૂંટણીપંચે આયાતી કાર્યકરોને પરત જવાનો આદેશ આપવો જોઇએ અને જો આવું નહીં થાય તો ચૂંટણી નિષ્પક્ષ નહીં રહે.
અખિલેશે જણાવ્યું હતું કે “અમારો એકપણ કાર્યકર્તા બીજા રાજ્યોનો નથી. હું ગુજરાતથી આવેલા લોકોની યાદી આપવા માટે મારા પત્રકાર મિત્રોને સૂચના આપીશ. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢથી અહીં આવેલા લોકોને પણ પરત મોકલવા માટે હું ચૂંટણીપંચને લેખિત રજૂઆત કરીશ.
યાદવે જણાવ્યુ હતું કે સોશિયલ મીડિયામાં ફરતા ફોટો દર્શાવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજ્યમાંથી ભાજપના કાર્યકરો અફવા, જુઠ્ઠાણા અને નફરત ફેલાવવા તથા કાવતરુ રચવા અને પૈસાનું વિતરણ કરવા માટે ઉત્તરપ્રદેશમાં આવ્યા છે.
ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ કેબિનેટ પ્રધાન દારાસિંહ ચૌહાણ અને અપના દલ (સોનેલાલ)ના ધારાસભ્ય આર કે વર્માને સપામાં સામેલ કર્યા બાદ પક્ષના પ્રમુખે પત્રકારોને સંબોધન કર્યું હતું.
સપાના નેતાઓ જેલમાં કે જામીન પર છે તેવા કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરના આક્ષેપનો જવાબ આપતા અખિલેશે જણાવ્યું હતું કે વિવિધ મંત્રાલયોમાં કેન્દ્રીય પ્રધાનોના રેકોર્ડની પત્રકારોએ તપાસ કરવી જોઇએ. અગાઉ કાનપુરના પોલીસ કમિશનર અસીમ અરુણને ભાજપમાં આવકારતા ઠાકુરે જણાવ્યું હતું કે રમખાણોમાં સંડોવાયેલા લોકો સપામા જોડાઈ રહ્યા છે, જ્યારે તોફાનીઓ સામે કાર્યવાહી કરનારા લોકો ભાજપમાં સામેલ થઈ રહ્યાં છે.
અખિલેશના આક્ષેપોનો જવાબ આપતા યુપી ભાજપના પ્રવક્તા રાકેશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે અખિલેશ યાદવ રાષ્ટ્રીય નહીં, પરંતુ રાજ્ય સ્તરની પાર્ટીના વડા છે. તેઓ ભાજપથી ભયભીત છે અને પાયા વગરની ટીપ્પણીઓ કરી રહ્યાં છે. આ તમામ ટિપ્પણીઓ દર્શાવે છે કે અખિલેશ ચૂંટણીમાં હાર માટેના કારણો શોધી રહ્યાં છે.