ફિલ્મ અને ટેલિવિઝન ક્ષેત્રની જાણીતી સીરિયલ મેકર એકતા કપૂરે પોતાની કંપનીના નામે થતી છેતરપિંડીથી બચવા લોકોને સતર્ક કર્યા છે. તેણે બનાવટી કાસ્ટિંગ એજન્સી સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. પોતાના નામે કલાકારોને ફોન કરીને નાણાં પડાવનારા એજન્ટ્સ સામે સતર્ક રહેવા તેણે જણાવ્યું છે. પોતાની જાણ બહાર એકતા કપૂરની સીરિયલોમાં કામ અપાવવાની લાલચ આપીને ઊભરતા કલાકારો સાથે છેતરપિંડી થતી હોવાનું ધ્યાનમાં આવતાં તે નારાજ થઇ છે.
આ અંગે તેની કંપની દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, તેઓ કલાકારો પાસેથી ક્યારેય પૈસાની માગણી કરતા નથી. કાસ્ટિંગ માટે કોઈ શંકાસ્પદ ફોન આવે તો તરત જ કંપનીને જાણ કરવી. બાલાજી ટેલીફિલ્મ્સ અને અલ્ટ ડિજિટલના કાસ્ટિંગ એજન્ટ્સ હોવાનો દાવો કરીને કેટલીક એજન્સીએ બનાવટી ડોક્યુમેન્ટ્સ બનાવ્યા છે. આવી એજન્સીઝ દ્વારા છેતરપિંડી થતી હોવાનું ધ્યાનમાં આવતાં કંપની દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે, કોઈ વ્યક્તિ આવી બનાવટી એજન્સીનો ભોગ બનશે તો તેના માટે એકતા કપૂર કે તેમની કંપનીઓ જવાબદાર નથી.