ટીવી સીરિયલ્સના નિર્માણમાં જાણીતું નામ એકતા કપૂર એક વિવાદમાં ફસાઇ છે. તેણે પોતાની એક વેબ સિરિઝમાં ભારતીય લશ્કર વિશે કથિત વાંધાજનક બાબતો રજૂ કરી હોવાની ફરિયાદ બદલ તેની સામે મધ્યપ્રદેશના ઇંદોરની હાઇકોર્ટમાં કેસ ચાલશે.
આ સિરિઝમાં સેના વિશે એક વાંધાજનક બાબત જોઇને એક વ્યક્તિએ પોલીસ ફરિયાદ કરી હતી. નીચલી કોર્ટમાં એકતા કપૂરના વકીલે કહ્યું હતું કે, તેમાં કોઇ વાંધાજનક બાબત અમે રજૂ કરી નથી. ફરિયાદી અને પોલીસની દલીલ હતી કે ઓટીટી પ્લેટફોર્મ પર અશ્લીલ અને વાંધાજનક સામગ્રી એડિટિંગ વિના પ્રસ્તુત થઇ રહી હતી અને નિર્માતા-નિર્દેશકો પર સખત કાર્યવાહી થાય એ જરૂરી હતું. તમામ પક્ષને સાંભળ્યા બાદ કોર્ટે પોતાનો ચૂકાદો અનામત રાખ્યો હતો. પછીના ચૂકાદામાં એકતાને ઇંદોર હાઇકોર્ટ સમક્ષ રૂબરૂ આવવાનો આદેશ આપ્યો હતો. એકતા પર ધાર્મિક ભાવના ભડકાવવાનો અને રાષ્ટ્રહિત સાથે સંકળાયેલા કાયદાઓ હેઠળ કેસ કર્યો હતો. ભારતીય લશ્કરને અયોગ્ય રીતે રજૂ કરાયાનો આક્ષેપ મુખ્ય હતો.