પીઢ અભિનેતા જિતેન્દ્ર અને શોભા કપૂરની પુત્રી એકતા કપૂર ભારતમાં ‘ટેલિવિઝન ક્વીન’ના નામથી ઓળખાય છે. ગત સપ્તાહે તેણે પોતાનો 47 મો જન્મ દિન ઉજવ્યો હતો. એકતા કપૂરનો જન્મ 7 જૂન 1975માં થયો હતો. અંદાજે 25 વર્ષ પહેલા તેણે ‘માનો યા ન માનો’ સીરિયલથી ટેલિવિઝનની દુનિયામાં એન્ટ્રી કરી હતી અને ત્યારથી અત્યાર સુધી તે અનેક સુપરહિટ શો આપી ચુકી છે. તેણે પોતાના કરિયરની શરૂઆત 15 વર્ષની ઉંમરે એડ અને ફીચર ફિલ્મ નિર્માતા કૈલાસ સુરેન્દ્રનાથ સાથે કરી હતી. તેને ફિલ્મ નિર્માણમાં ખૂબ જ રસ હતો આથી તેણે નિર્માતા બનવાનો નિર્ણય લીધો હતો. ટેલીવિઝન અને ફિલ્મ નિર્માતા, નિર્દેશક એવી એકતાએ 1994માં બાલાજી ટેલીફિલ્મસ લિમિટેડની સ્થાપના કરી હતી જેની તે જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર અને ક્રિએટીવ હેડ છે.
તે આ ઉંમરે પણ અપરિણીત છે. એકતાએ તેનું કારણ આપતા જણાવ્યું હતું કે, પિતા જીતેન્દ્રની એક શરતના કારણે તેણે આજ સુધી લગ્ન નથી કર્યા.એકતાએ જણાવ્યું હતું કે, મારા પિતાએ મને કહ્યું હતું કે, ‘તારે લગ્ન કરવા પડશે અથવા કામ કર કરવું પડશે.’ પણ મારે લગ્ન નહોતા કરવા તેથી મેં કામને પ્રાથમિકતા આપી હતી.
પદ્મશ્રી જેવું સરકારી સન્માન મેળવનાર એકતા કપૂર ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી મોટી પ્રોડ્યુસર છે. ‘ક્યોકી સાસ ભી કભી બહુ થી’ સીરિયલ ટેલિવિઝન જગતમાં એકતા કપૂરની પ્રથમ ક્રાંતિ હતી. ત્યારપછી તેણે ‘કહાની ઘર ઘર કી, કસૌટી જિંદગી કી, કહીં તો હોગા, અને કુટુમ્બ’ જેવી સીરિયલ દ્વારા ટીવી જગતમાં ક્રાંતિ લાવી હતી. એકતાની આ 5 સીરીયલોની જબરજસ્ત સફળતાએ તેને ટી ‘ટીવી ક્વીન’ બનાવી હતી.