બાલાજી ટેલિફિલ્મ્સના શેરહોલ્ડર્સે તાજેતરમાં યોજાયેલી કંપનીની વાર્ષિક સભામાં મેનેજિંગ ડિરેક્ટર શોભા કપૂર અને જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર એક્તા કપૂરના વેતનમાં વધારો કરવાની દરખાસ્તને ફગાવી દીધી હતી. કંપનીમાં ભારતના બિલિયોનેર મુકેશ અંબાણી 24.91 ટકા હિસ્સો ધરાવે છે.
કંપનીની વાર્ષિક સાધારણ સભા 31 ઓગસ્ટ 2021ના રોજ યોજાઈ હતી. આ બેઠકમાં વેતન સંબંધિત બે અસાધારણ દરખાસ્તને શેરહોલ્ડર્સની જરૂરી મંજૂરી મળી શકી ન હતી. નિયમનકારી માહિતી મુજબ આ બંને દરખાસ્ત પસાર થઈ શકી ન હતી, કારણ કે ઠરાવની તરફેણ કરતાં ઠરાવની વિરુદ્ધમાં વધુ મત પડ્યા હતા.
જોકે પાંચ વર્ષ માટે કંપનીમાં નોન એક્ઝિક્યુટિવ સ્વતંત્ર ડિરેક્ટરની નિમણુકની દરખાસ્તને મંજૂરી મળી હતી. નિયમો મુજબ આવી અસાધારણ દરખાસ્ત માટે એજીએમમાં 75 ટકા મત જરૂરી છે.10 નવેમ્બર 2021ની અસરથી વધુ બે વર્ષ માટે બાલાજી ટેલિફિલ્મ્સના મેનેજિંગ ડિરેક્ટર શોભા કપૂરના વેતન ચુકવણીની દરખાસ્તની તરફેણમાં માત્ર 42.23 ટકા મત મળ્યા હતા. આની વિરુદ્ધમાં 56.76 ટકા મત પડ્યાં હતા.
જોઇન્ટ ડિરેક્ટર એક્તા કપૂરના વેતનમાં વધારો કરવાની દરખાસ્તની તરફેણમાં માત્ર 44.54 ટકા મત મળ્યા હતા, જ્યારે 55.45 ટકા શેરહોલ્ડર્સે તેનો વિરોધ કર્યો હતો.કંપનીના તાજેતરના વાર્ષિક અહેવાલ મુજબ અભિનેતા જીતેન્દ્રની પત્ની શોભા કપૂરને કુલ રૂા.2.09 કરોડ વેતન મળ્યું હતું. તેમાં રૂા.1.94 કરોડના સેલરી અને રૂા.762 લાખના પર્કનો સમાવેશ થાય છે.