ઇજિપ્તના પ્રેસિડન્ટ અબ્દેલ ફતાહ અલ-સીસી જાન્યુઆરીમાં ભારતના ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ હશે. આરબ રિપબ્લિક ઇજિપ્તના પ્રેસિડન્ટ પ્રથમ વખત આપણા પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથિ હશે, એમ વિદેશ મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અલ-સીસીને ઔપચારિક આમંત્રણ મોકલ્યું હતું. ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે 16 ઓક્ટોબરે ઇજિપ્તના પ્રેસિડન્ટને આમંત્રણ પત્ર આપ્યો હતો. બંને દેશો આ વર્ષે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 2022-23માં ભારતના G-20ના પ્રમુખપદ દરમિયાન ઇજિપ્તને ‘ગેસ્ટ કન્ટ્રી’ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. ભારત અને ઇજિપ્ત સંસ્કૃતિ અને લોકો-લોકો વચ્ચેના ગહન સંબંધોને આધારે ઉષ્માભર્યા અને મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે.
2021માં બ્રિટીશના તત્કાલિન વડા પ્રધાન બોરિસ જોન્સસને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ બ્રિટનમાં વધતા COVID-19 કેસોને કારણે તેમની મુલાકાત રદ થઈ હતી.
ભૂતપૂર્વ યુએસ પ્રમુખ બરાક ઓબામા (2015), રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન (2007), ફ્રાન્સના પ્રમુખો પ્રમુખો નિકોલસ સરકોઝી (2008) અને ફ્રાન્કોઇસ હોલાંદ (2016) પણ ભૂતકાળમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ રહી ચૂક્યા છે.