ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળે ગુરુવાર, 16 સપ્ટેમ્બરે શપથ ગ્રહણ કર્યા હતા. કેબિનેટમાં સામેલ કરવામાં આવેલા 24માંથી માત્ર 10 પ્રધાનો ગ્રેજ્યુએટ થયેલા છે, જ્યારે 10 પ્રધાનો માંડ દસ ધોરણ સુધી ભણેલા છે, એમ વિધાનસભાની વેબસાઈટમાં અપાયેલી માહિતીમાં જણાવાયું છે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અંડર ગ્રેજ્યુએટ છે. તેમણે ડિપ્લોમા ઈન સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે. રાજ્ય સરકારમાં નંબર ટુ સ્થાન ધરાવતા રાજેન્દ્ર ત્રિવેદી બીએસસી, એલએલબી થયેલા છે. તેઓ વડોદરાની રાવપૂરા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા છે.
જીતુ વાઘાણી બી.કોમ., એલએલ.બી., એલ.ડી.સીની ડિગ્રી ધરાવે છે. તેઓની વિધાનસભા બેઠક ભાવનગર પશ્ચિમ છે.કિરીટસિંહ રાણા મેટ્રિક થયેલા છે. તેઓ સુરેન્દ્રનગરની લીંબડીનું પ્રતિનિધિત્વ કરે છે. નવસારીની ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ પણ મેટ્રીક સુધી ભણેલા છે. અમદાવાદની અસારવા બેઠકના ધારાસભ્ય પ્રદીપ પરમાર પણ મેટ્રિક સુધીનો અભ્યાસ ધરાવે છે.