કેન્દ્ર સરકારે ખાદ્યતેલના ભડકે બળતા ભાવને અંકુશમાં લેવા માટે ખાદ્યતેલ અને તેલિબિયાં માટેની સ્ટોક મર્યાદા આ વર્ષના ડિસેમ્બર સુધી લંબાવી છે. યુક્રેન પર રશિયાના આક્રમણને પગલે વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાને કારણે હાલમાં તમામ પ્રકારના ખાદ્યતેલના ભભાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સરકારે આ નિર્ણય કર્યો છે. સ્ટોક મર્યાદામાં લંબાવવા અંગેનો આદેશ પહેલી એપ્રિલ 2022થી અમલી બને છે, એમ સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે.
સરકારના નવા આદેશ મુજબ રિટેલર્સ એટલે કે છૂટક વેપારી માટે ખાદ્યતેલની સ્ટોક મર્યાદા 30 ક્વિન્ટલની રહેશે. આ ઉપરાંત હોલસેલર્સ માટેની સ્ટોક મર્યાદા 500 ક્વિન્ટલની, બલ્ક કન્ઝ્યુમરના રિટેલ આઉટલેટ માટે 30 ક્વિન્ટલ રહેશે. બલ્ક કન્ઝ્યુમરમાં મોટા ચેઇન રિલેટર્સ અને શોપ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મોટા રિટેલર્સના ડિપો માટેની સ્ટોક મર્યાદા 1,000 ક્વિન્ટલની રહેશે. ખાદ્યતેલના પ્રોસેસર્સ તેમના સ્ટોરેજ- ઉત્પાદન ક્ષમતાના 90 દિવસ સુધીનો સ્ટોક રાખી શકશે.
ઓક્ટોબર 2021માં ગ્રાહક બાબતોના મંત્રાલયે માર્ચ 2022 સુધી સ્ટોક મર્યાદા લાદી હતી તથા સ્ટોક મર્યાદા ઉપલબ્ધતા અને વપરાશની પેટર્નને આધારે લાદવાનો નિર્ણય રાજ્ય સરકાર પર છોડ્યો હતો.
સરકારના નવા આદેશમાં તેલિબિયાં માટે પણ સ્ટોક મર્યાદા લાદવામાં આવી છે. આ આદેશ મુજબ રિટેલર્સ (છૂટક વેપારી) તેલિબિયાંનો 100 ક્વિન્ટલનો સ્ટોક રાખી શકશે, જ્યારે હોલસેલર્સ 2,000 ક્વિન્ટલ નો સ્ટોક રાખી શકશે. તેલિબિયાંના પ્રોસેસર્સ 90 દિવસ સુધી ખાદ્યતેલનું ઉત્પાદન થઈ શકે તેટલાં પ્રમાણમાં તેલિબિયાંનો સ્ટોક રાખી શકશે. આ માટે મર્યાદા તેમની દૈનિક ઇનપુટ પ્રોડક્શન કેપિસિટી આધારિત રહેશે.
સરકારે અમુક શરતો સાથે આયાતકારો અને નિકાસકારોને આ ઓર્ડરમાંથી બાકાત રાખ્યા છે. સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે સરકારના આ પગલાંથી બજારમાં બ્લેક માર્કેટિંગ અને સંગ્રહખોરી જેવી ગેરરીતિઓને અંકુશમાં લઈ શકાશે અને તેનાથી ખાદ્યતેલના વધતાં જતાં ભાવને અંકુશમાં લેવામાં મદદ મળશે. આ પગલાંથી એ પણ સુનિશ્ચિત થઈ શકશે કે ડ્યૂટીમાં ઘટાડાનો મહત્તમ લાભ અંતિમ ગ્રાહકો સુધી પહોંચે.
સરકારે જણાવ્યું છે કે યુક્રેનમાંથી સનફ્લાવર ઓઇલના સપ્લાય પર દબાણ આવ્યું છે. તેનાથી ઇન્ડોનેશિયાની નિકાસ નીતિને પણ અસર થઈ છે અને પામતેલની આયાતને અસર થઈ રહી છે. રશિયા અને યુક્રેન વચ્ચેના હાલના યુદ્ધને કારણે તમામ ખાદ્યતેલ અને ખાસ કરીને સનફ્લાવર ઓઇલના એકંદર સપ્લાય પર દબાણ આવવાની શક્યતા છે.
આ ઉપરાંત સાઉથ આફ્રિકામાં પાકને નુકસાન થયું છે, તેનાથી સોયાબીન તેલના સપ્લાયને માંઠી અસર થઈ છે. હાલમાં સોયાબીન તેલના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારા તરફી ટ્રેન્ડ છે. સોયાબીન ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવમાં છેલ્લાં એક મહિનામાં 5.05 ટકા અને છેલ્લાં એક વર્ષમાં 42.22 ટકાનો જંગી વધારો થયો છે. વૈશ્વિક પામતેલ (કાચુ અને રિફાઇન બંને)ના ભાવમાં જાન્યુઆરી પછીથી મોટો વધારો થયો હતો. જોકે તેમાં છેલ્લાં એક સપ્તાહ અને મહિનામાં ઘટાડો થઈ રહ્યો છે.
યુક્રેન યુદ્ધને કારણે સનફ્લાવર ઓઇલનો 25 ટકા સપ્લાય ઘટવાની ધારણા
યુક્રેન યુદ્ધને કારણે આ નાણાકીય વર્ષમાં ભારતમાં ક્રૂડ સનફ્લાવર ઓઇલના સપ્લાયમાં ઓછામાં ઓછા 25 ટકા (4થી 6 લાખ ટન)ની અછત ઊભી થવાની ધારણા છે. યુક્રેન વિશ્વમાં સૌથી વધુ સનફ્લાવર ઉત્પાદક દેશ છે. ભારત આશરે 70 ટકા સનફ્લાવર ઓઇલની આયાત યુક્રેનમાંથી કરે છે. આ ઉપરાંત 20 ટકા આયાત રશિયામાંથી કરે છે. રેટિંગ એજન્સી ક્રિસિલના અહેવાલમાં જણાવ્યા અનુસાર ભારતના ખાદ્યતેલ પ્રોસેસર્સની બેલેન્સશીટ સપ્લાયમાં આ વિક્ષેપનો સામનો કરી શકે તેટલી મજબૂત છે. ભારતમાં ખાદ્યતેલની વાર્ષિક 230થી 240 ટનના વપરાશમાંથી રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલની વપરાશ આશરે 10 ટકા છે. કુલ માગમાંથી 60 ટકા સનફ્લાવર ઓઇલની આયાત કરવામાં આવે છે.
—