ભારતમાં કોરોનાના કેસોમાં ફરી વધારો ટૂંકા ગાળા માટે આર્થિક વૃદ્ધિ માટે ચિંતાજનક બનવાની ધારણા છે અને નીતિઓ ફરી સામાન્ય બનવામાં અપેક્ષા કરતા વધુ વિલંબ જોવા મળી શકે છે, પરંતુ આગામી નાણાંકીય વર્ષ માટે ભારતનો આર્થિક વિકાસ દર મજબૂત રહેવાના અંદાજમાં હજુ કોઈ ઘટાડો આવ્યો નથી, એમ નોમુરાએ તેના અહેવાલમાં જણાવાયું હતું.
નોમુરાએ જણાવ્યું હતું કે ભારતમાં વેક્સિનેશન કાર્યક્રમ પણ શરૂ થઈ ગયો હોવાથી કોરોનાના નવા કેસોની અર્થતંત્ર પર મર્યાદિત અસર જોવા મળશે. હાલની ઉદાર નાણાં નીતિ પણ અર્થતંત્ર માટે ટેકારૂપ બની રહેશે. કોરોનાના નવા કેસ છતાં સરકારે સખત પ્રતિબંધો લાદ્યા નથી. દેશના ગ્રાહકો તથા ઔદ્યોગિક ગ્રૂપો નવી સ્થિતિ સાથે સાનુકૂળ બની ગયા છે, એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
આગામી નાણાંકીય વર્ષ માટે દેશના ૧૩.૫૦ ટકાના આર્થિક વૃદ્ધિદરના અંદાજને જાળવી રાખતા નોમુરાએ જણાવ્યું હતું કે વેક્સિનેશનના હાલના સ્તરને જોતા વર્તમાન વર્ષમાં ભારતની વસતિના ૩૦ ટકા લોકોનું રસીકરણ શકય બનશે. દેશમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક સહિતના રાજ્યોમાં કોરોનાના કેસો ફરી માથું ઊંચકી રહ્યા છે. વર્તમાન નાણાં વર્ષનો દેશનો આર્થિક વિકાસ દર નેગેટિવ રહેવાનો અંદાજ છે. ગયા વર્ષના ઓકટોબરથી દેશમાં ગ્રાહકોની માગમાં વધારો થયો છે અને રિટેલ વેચાણ પણ કોરોના પહેલાના સ્તરે જોવા મળી રહ્યું છે ત્યારે સરકાર ફરી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાના મૂડમાં નથી. દેશની ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની પ્રવૃત્તિઓ પણ સતત વધી રહી છે ત્યારે હાલના તબક્કે કેન્દ્ર તથા રાજ્ય સરકારો અર્થતંત્ર માટે પ્રતિકૂળ એવા સખત પગલાં લેવાનું ટાળી રહી હોવાનું જોવા મળી રહ્યું છે.