કડક કોરોનાવાયરસ લોકડાઉનના કારણે માર્ચથી એપ્રિલની વચ્ચે બ્રિટનની અર્થવ્યવસ્થામાં 20.4 ટકાનો રેકોર્ડ ઘટાડો થયો હતો. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટીક્સના આંકડા મુજબ ગયા વર્ષના એપ્રિલની તુલનામાં અર્થતંત્રમાં 24.5 ટકાનો ઘટાડો થયો છે. અર્થશાસ્ત્રીઓના રોઇટર્સના સર્વેમાં પહેલેથી જ અભૂતપૂર્વ નબળી મંદીની આગાહી કરી છે. આજની તારીખે અર્થતંત્રનું કદ 2002ના જેટલું છે.
બેન્ક ઑફ ઇંગ્લેંડ અને દેશની બજેટ ઓફિસે ચેતવણી આપી છે કે બ્રિટન આ વર્ષે ત્રણ સદીઓમાં ન જોઇ હોય તેવી સૌથી ઉંડી મંદી તરફ આગળ વધી શકે છે.
ચાન્સેલર ઋષિ સુનકે જણાવ્યું હતું કે, “વિશ્વની અન્ય ઘણી અર્થવ્યવસ્થાઓની સાથે કોરોનાવાયરસની અસર આપણી અર્થવ્યવસ્થા પર પડી રહી છે. કંપનીઓ માટે અનુદાન, લોન અને ટેક્સ ઘટાડાની સાથે કામચલાઉ ધોરણે છૂટા કરાયેલા કામદારોને પગાર આપવાની યોજના સહિતના સરકારી પગલાંને કારણે બ્રિટનની અર્થવ્યવસ્થા ફરીથી ખુલશે ત્યારે ઝડપથી સુધારવાની શ્રેષ્ઠ તક છે.”
ફ્રાંસની અર્થવ્યવસ્થા એપ્રિલથી જૂનના ગાળામાં 15% સંકોચાશે, માર્ચથી એપ્રિલ દરમિયાન જર્મન ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન 17.9% ઘટી ગયું છે. સર્વિસ સેક્ટરમાં 19.0%, ઉત્પાદન 24% કરતા વધુ અને બાંધકામ ઉદ્યોગમાં લગભગ અડધાથી વધારે ઘટાડો થયો હતો. જ્યારે બેરોજગારીના દરમાં 8%થી વધુનો વધારો થયો છે. આવતા અઠવાડિયે બ્રિટનના મોટાભાગનુ રિટેલ ક્ષેત્ર સામાજિક અંતરના નિયમોનું પાલન કરવાની શરતે ખોલવામાં આવનાર છે.
બેન્ક ઓફ ઇંગ્લેન્ડના ગવર્નર અન્ડ્ર્યૂ બેઇલીએ બુધવારે કહ્યું હતું કે કોરોનાવાયરસ લોકડાઉનના પ્રતિબંધો હટાવવામાં આવતા તેઓ આર્થિક સુધારણાના કેટલાક સંકેતો જોઈ શકશે પરંતુ તેમણે ચેતવણી આપી હતી કે હજી પણ લાંબા ગાળાના આર્થિક નુકસાનની સંભાવના છે. બેન્ક બ્રિટનના અર્થતંત્રને વધુ નુકસાનથી બચાવવા બોન્ડ-બાયીંગ ફાયરપાવરમાં આવતા અઠવાડિયે ઓછામાં ઓછા 100 બિલીયન પાઉન્ડના વધારાની જાહેરાત કરે તેવી શક્યતા છે.