કોરોનાવાયરસના કારમા ખપ્પરમાં 32,000 કરતા વધુ લોકોના સત્તાવાર મોત પછી દેશ 300 વર્ષમાં ન જોઇ હોય તેવી કારમી મંદીમાં સપડાય તેવી શક્યતાઓ છે. આવા આકરા સમયમાં વડાપ્રધાન બોરીસ જ્હોન્સન અને તેમની ટીમ સાવચેતીપૂર્વક લોકડાઉન હળવુ કરવાથી લઇને વેપાર ધંધાને બળ પૂરુ પાડવા માટે ફર્લોથી લઇને અન્ય યોજનાઓ દ્વારા દેશની ગાડીને પાટે ચઢાવવા તનતોડ મહેનત કરી રહી છે. આશ્ચર્ય સાથે આનંદની વાત એ છે કે સરકારના પગલાઓને એકાદ બે મુદ્દાને બાદ કરતા વિપક્ષ અને જનતા પણ ભરપૂર સમર્થન આપી રહી છે.
બોરિસ જ્હોન્સને રવિવારે રાષ્ટ્ર જોગ પ્રવચન કર્યા બાદ સોમવારે 50 પાનાની લોકડાઉન હળવુ કરવા અંગેની બ્લુ પ્રિન્ટ બહાર પાડી હતી. સરકારે વિવિધ વૈજ્ઞાનિકો અને બિઝનેસ લીડર્સને સાથે રાખીને તેમની સલાહ લઇને પાક્કા આયોજન સાથે કોરોનાવાયરસના જોખમને લક્ષમાં રાખીને ત્રણ તબક્કામાં લોકડાઉનને હળવુ કરવા કમર કસી છે. સરકારનો ઇરાદો અર્થતંત્રને પાટા પર લાવવાનો છે અને સાથે સાથે કોવિડ-19 સામે પણ બાથ ભીડવાની છે. વાયરસ બીજો ઉથલો મારે તેવા જોખમને લક્ષમાં રાખીને સરકારે એનએચએસને પણ મજબૂત બનાવ્યુ છે અને તે જોતા બ્રિટન જાણે કે કોરોનાવાયરસ સામેનો અડધો જંગ જીતી ગયુ છે.
સરકારે મુખ્ય કહેવાય અને ઘણાં બધા લોકો કામ કરે છે તેવા ફૂડ પ્રોડક્શન્સ, લેબોરેટ્રીઝ, બાંધકામ, લોજિસ્ટિક્સ, ડિસ્ટ્રીબ્યુશન્સ અને વૈજ્ઞાનિક સંશોધન સહિતના ક્ષેત્રોમાં કામ કરતા લોકોને તા. 13થી કામ પર પાછા ફરવા પરવાનગી આપી છે, જે દેશનો મુખ્ય વર્કફોર્સ છે. સાથે સાથે આ એવા ક્ષેત્રો છે જેનાથી અન્ય લોકોને ચેપ લાગવાની સંભાવના જરા ઓછી છે. સરકારે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં અને બંધ જગ્યાઓ પર લોકોને માસ્ક પહેરવાની અને ચહેરો ઢાંકી રાખવાની સલાહ આપી કોરોનાવાયરસને ફેલાતો અટકાવવા પણ તકેદારી રાખી છે.
મિત્રો અને કુટુંબના લોકોને મળવાની છૂટ, ગાર્ડન સેન્ટરને ખોલવાની મંજૂરી, આવતા મહિને બંધ દરવાજા પાછળ મોટી રમતો રમાડવાની છૂટ આપનાર સરકારે જાહેરમાં વધુ લોકો એકત્ર ન થાય તેની ખૂબ જ કાળજી રાખી છે. અને માટે જ પબ, બાર, રેસ્ટોરંટ્સ, હોસ્પિટાલીટી ઇન્ડસ્ટ્રીઝ અને બિન-આવશ્યક રિટેલ બિઝનેસીસ, શાળાઓને બંધ રાખવા આદેશ અપાયો છે.
‘જો અને તો’ની વાતમાં ન પડીએ તો હાલને તબક્કે સરકારની યોજના ચોક્કસ જણાઇ રહી છે જે અર્થતંત્ર અને લોકોના જીવનને ધબકતુ કરશે એ ચોક્કસ છે.