બજેટના એક દિવસ પહેલા સોમવાર, 31 જાન્યુઆરીએ સંસદમાં નાણા પ્રધાન નિર્મલા સીતારામને 2021-22ના નાણાકીય વર્ષનો આર્થિક સર્વે રજૂ કર્યો હતો. આ સરવેમાં ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપી ગ્રોથ રેટ 9.2 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આગામી નાણાકીય વર્ષમાં આર્થિક વૃદ્ધિ 8થી 8.5 ટકાની વચ્ચે રહી શકે છે. આર્થિક સર્વેમાંથી સંકેત મળે છે કે ભારતનું અર્થતંત્ર સદ્ધર છે તથા વ્યાપક વેક્સિનેશન, સપ્લાય સાઇડના સુધારા અને નિયમોમાં છૂટછાટની પૂર્વભૂમિકામાં ભાવિ પડકારોનો સામનો કરવા માટે સજ્જ છે.
બજેટ 2022-23માં નાણાપ્રધાન દેશની રાજકોષીય ખાધ જીડીપીના 6.1 ટકા રાખે તેવી શક્યતા છે. આ સ્થિતિમાં કેન્દ્ર સરકારને આગામી વર્ષે બજારમાંથી રૂ.13 લાખ કરોડનું દેવું કરવું પડે એવી શક્યતા છે.
આર્થિક સર્વેમાં અર્થતંત્રના જુદા-જુદા ક્ષેત્રોની સ્થિતિની સાથે જ વૃદ્ધિમાં ઝડપ લાવવા માટે કરવામાં આવનારા સુધારાનું વિવરણ અપાયું હતું. મહામારીના આવનારા સમયમાં અર્થવ્યવસ્થા પર કોઈ નકારાત્મક અસર નહીં પડે, એમ માનતા ગ્રોથ રેટનો અંદાજ લગાવાયો છે.
તેમાં સંકેત આપવામાં આવ્યો હતો કે દેશનું અર્થતંત્ર વિકસી રહ્યું છે, કરવેરાની આકારણીની વધી રહી છે ત્યારે સરકાર પાસે એટલી જગ્યા છે કે આગામી વર્ષે ખર્ચ વધારી, વધારે મૂડીરોકાણ કરી અર્થતંત્રને ટેકો આપે. એનો મતલબ કે મંગળવારે રજુ થનારા બજેટમાં કેન્દ્ર સરકાર પોતાનો ખર્ચ વધારી શકે છે. એવી ધારણા છે કે કેન્દ્ર સરકાર બજેટ 2022-23માં કુલ ખર્ચ રૂ.39 લાખ કરોડ રહે એવી શક્યતા છે.
5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી માટેની રૂપરેખા
આર્થિક સર્વે જણાવ્યા અનુસાર 2024-25 સુધીમાં ભારતને 5 ટ્રિલિયન ડોલરનું જીડીપી બનાવવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આ સમયગાળામાં 1.4 ટ્રિલિયન ડોલરનો ખર્ચ કરવાની જરૂર પડશે. ભારતે 2008-17 દરમિયાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂ.1.1 ટ્રિલિયન ડોલરનો ખર્ચ કર્યો હતો. આ રોકાણમાં મોટો વધારો કરવાનો પડકાર છે.
એફટીએની મંત્રણા પર ભાર મૂકાયો
આર્થિક સરવેમાં વિવિધ દેશો સાથે મુક્ત વેપાર સમજૂતી (એફટીએ) માટેની હાલની મંત્રણાને વેગ આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો, કારણ કે તેનાથી ભારતની નિકાસ વૈવિધ્યીકરણ લાવી શકશે. ભારત બ્રિટન સહિતના કેટલાંક દેશો સાથે એફટીએની હાલમાં મંત્રણા કરી રહ્યું છે. છેલ્લાં 25 વર્ષમાં નિકાસ સ્થળોમાં વૈવિધ્યીકરણ થયું છે. પરંતુ ભારત તેની કુલમાંથી આશરે 40 ટકા નિકાસ માત્ર સાત દેશોમાં કરે છે. ભારત દ્વિપક્ષીય અને પ્રાદેશિક એમ કેટલાંક ભાગીદાર દેશો સાથે એફટીએની મંત્રણા કરી રહી છે.
50 ટકાથી વધુ બેન્ક ડિપોઝિટને વીમા કવચ
બેન્ક ડિપોઝિટની મર્યાદાને વધારીને રૂ.5 લાખ કરવામાં આવ્યા બાદ વીમા કવચ સાથેના એકાઉન્ટની સંખ્યા વધીને 98 ટકા થઈ છે. આની સામે વિશ્વનો બેન્ચમાર્ક 80 ટકા છે. રકમના સંદર્ભમાં જોઇએ તો વીમા કવચ ધરાવતી ડિપોઝિટ માર્ચ 2021ના અંતે રૂ.76.2 લાખ કરોડ હતી, જે કુલ ડિપોઝિટના 50.9 ટકા થાય છે. આની સામે ઇન્ટરનેશનલ બેન્ચમાર્ક 20થી 30 ટકા છે.