ગ્લોબલ ઈકોનોમિક ફ્રીડમ ઈન્ડેક્સ 2020માં ભારત 26 અંક ગબડીને 105મા સ્થાન પર આવી ગયું છે. આનો અર્થ એવો થાય કે ભારતમાં આર્થિક-બિઝનેસ માટેની સ્વતંત્રતામાં ઘટાડો થયો છે. 2019 રિપોર્ટમાં ભારત 79મા સ્થાન પર હતું. કેનેડાની ફ્રેઝર ઈન્સ્ટીટ્યુટ દ્વારા આ અહેવાલ તૈયાર કરાયો છે અને ભારતમાં સેન્ટર ફોર સિવિલ સોસાયટીના સહયોગમાં જારી કરવામાં આવ્યો છે. ભારત માટે સારી બાબત એ છે કે આ યાદીમાં ચીન છેક 124માં સ્થાને છે, જે ભારત કરતાં પણ નીચું છે.
આ યાદીમાં હોંગકોંગ અને સિંગાપોર પહેલાં અને બીજા સ્થાન પર છે. આ યાદીમાં ટોચના 10 દેશોમાં ન્યુઝિલેન્ડ, સ્વિત્ઝર્લેન્ડ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, મોરિશિયસ, જ્યોર્જિયા, કેનેડા અને આયરલેન્ડ સામેલ છે. જાપાનને લિસ્ટમાં 20મું તો જર્મની 21મા સ્થાન પર છે. જે દેશોમાં લિસ્ટમાં સૌથી નીચેના ક્રમે છે તેમાં આફ્રિકી દેશ, કાંગો, ઝિમ્બાબ્વે, અલ્જિરિયા, ઈરાન, સુડાન, વેનેઝુએલા વગેરે સામેલ છે.
અહેવાલમાં જણાવ્યા અનુસાર છેલ્લા એક વર્ષમાં સરકારે આકાર, ન્યાયિક પ્રણાલી અને સંપત્તિના અધિકાર, વૈશ્વિક સ્તરે વેપારની સ્વતંત્રતા, નાણા, શ્રમ અને વ્યવસાયના નિયમો અંગેના માપદંડમાં ભારતની સ્થિતિ થોડી ખરાબ થઈ છે.
10 અંકના માપદંડ પર સરકારના કદના સંદર્ભમાં ભારતને એક વર્ષ પહેલાં 8.22ના મુકાબલે 7.16 અંક, કાનૂની પ્રણાલીના સંદર્ભમાં 5.17ના બદલે 5.06, ઈન્ટરનેશનલ વેપારની સ્વતંત્રતામાં 5.17 અને નાણા, શ્રમ તથા વ્યવસાયના નિયમોના મામલામાં 6.53 અંક મળ્યા છે.આ અહેવાલમાં 162 દેશોમાં આર્થિક સ્વતંત્રતાનું આંકલન કરવામાં આવ્યું હતું. આમ 162 દેશોમાં ભરતને 105મું સ્થાન મળ્યું છે, જે ખુબ જ નીચું છે.