યોર્કશાયરના ભૂતપૂર્વ ખેલાડી અઝીમ રફીકે તેના સાથી ખેલાડીઓ અને મેનેજમેન્ટ પર રેસીઝમનો આરોપ લગાવ્યા બાદ 2021માં તપાસ શરૂ કરનાર ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ યોર્કશાયર ક્રિકેટ ક્લબ અને સાત લોકો પર જાતિવાદના આરોપોને કારણે રમતને બદનામ કરવાનો આરોપ મૂક્યો છે. જોકે, બોર્ડે તે વ્યક્તિઓના નામ આપ્યા નથી.
રફીકે 2008 અને 2014 અને 2016 થી 2018 વચ્ચેના બે સ્પેલમાં ક્લબમાં તેના અનુભવ વિશે ડિજિટલ, કલ્ચર, મીડિયા અને સ્પોર્ટ (DCMS) સમિતિ સમક્ષ જુબાની આપી હતી. યોર્કશાયર ક્લબે કહ્યું હતું કે તે આરોપની સમીક્ષા કરી રહ્યું છે અને CDC સાથે સહકાર કરશે.
રફીકે ECBની જાહેરાતને આવકારતાં કહ્યું છે કે ‘’હું જાહેરમાં સુનાવણી કરાય તે પસંદ કરીશ. આ બીજી કઠોર પરંતુ કમનસીબે જરૂરી પ્રક્રિયા રહી છે. મને મારા અનુભવો જાહેર કર્યાને લાંબા બે વર્ષ થયા છે, પરંતુ હું આશા રાખું છું કે આ બધાનો અર્થ એ છે કે કોઈ પણ યુવા ખેલાડી ફરી ક્યારેય આવી પીડા અને વિમુખતામાંથી પસાર નહિં થાય.’’
રફીકના આક્ષેપોએ હેડિંગ્લેમાં જથ્થાબંધ ફેરફારોને પ્રોત્સાહન આપ્યું હતું અને ECBને પગલાં લેવા અને રમતમાં જાતિવાદનો સામનો કરવા માટે 12-પોઇન્ટની યોજના રજૂ કરવા માટે દબાણ કર્યું હતું.
બીજી તરફ ભૂતપૂર્વ મુખ્ય કોચ એન્ડ્રુ ગેલ સહિત યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબના છ સભ્યોએ ગયા અઠવાડિયે ક્લબ સામે અયોગ્ય બરતરફીનો દાવો જીત્યો હતો.
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ મેથ્યુ હોગાર્ડ, ટિમ બ્રેસ્નાન, એલેક્સ હેલ્સ અને ગેરી બેલેન્સ સામે રેસીઝમનો આરોપ છે. બેલેન્સ, હોગાર્ડ અને બ્રેસન રફીકની વિવિધ બાબતો અંગે માફી માંગી ચૂક્યા છે.