ગાંધીનગરમાં 10- 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી 10મી વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટ 2022 પહેલા 5- 6 જાન્યુઆરીએ અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે વિજ્ઞાાન ભવનમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમીક ઈન્સ્ટીટયુશન્સ યોજાશે.આ કોન્ફરન્સમાં પાર્ટનર કન્ટ્રી તરીકે ઓસ્ટ્રેલિયા, કેનેડા, નોર્વે, યુકે અને ફ્રાન્સ જોડાયા છે.
સાયન્સ સીટી ખાતે આ અંગેની જાહેરાત કરતાં રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે 5 જાન્યુઆરીએ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન આ કોન્ફરન્સ ખુલ્લી મુકશે. આ કોન્ફરન્સમાં 120 જેટલા પેનલ સ્પીકર્સ રહેશે, જેમાં 40 આંતરરાષ્ટ્રીય કક્ષાના અને 80 રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાના રહેશે, જેમાં 21 જેટલા સેશન યોજાશે.
છ જાન્યુઆરીએ ગુજરાતના રાજ્યપાલ મહામહીમ આચાર્ય દેવવ્રત માર્ગદર્શન કરશે. આ કોન્ફરન્સમાં શિક્ષણને લગતી વિવિધ શાખાઓમાં આપણા વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાનું શ્રેષ્ઠ શિક્ષણ મળે તે અંગેના 2500થી વધુ એમઓયુ વિવિધ સંસ્થાઓ સાથે થશે. આ કોન્ફરન્સથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શ્રેષ્ઠ એજ્યુકેશનના રોડમેપનો નવો અધ્યાય શરૂ થશે, જે પ્રાથમિક, માધ્યમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ભારતીય વિદ્યાર્થીઓને નવી દ્રષ્ટિ અને શ્રેષ્ઠ પ્રણાલિ આપવાના મંડાણ કરશે.
આ કોન્ફરન્સમાં શિક્ષણ ક્ષેત્રના નામાંકિત મહાનુભાવો, ડેલીગેટસ, રિસર્ચ સંસ્થાઓ, પ્રોફેશનલ્સ, શિક્ષણવિદો, રાષ્ટ્રીય એજ્યુકેશન પોલીસીની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ ટેકનીકલ શિક્ષણમાં તેની ભૂમિકા અને વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડશે. જેમાં બ્રિટીશ કાઉન્સીલ, ઓસ્ટ્રેલિયા – ઈન્ડિયા બિઝનેસ એક્સચેન્જ, ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ એજ્યુકેશન, ક્વાકવેરેલી સાયમન્ડસ જેવી સંસ્થાઓ આંતરરાષ્ટ્રીય પાર્ટનર તરીકે જોડાઈ રહી છે.
આ કોન્ફરન્સમાં ઈનોવેશન ઉપરાંત કૌશલ્યવૃદ્ધિ, રોજગારી વગેરે પર પણ ચર્ચા થશે. તેમાં ડીજીટલ એમ્પાવરમેન્ટ, નોલેજ સોસાયટી અને શેરીંગ નોલેજ આધારિત ઈકોનોમી અને સંસ્કૃત ભાષા પર એક અનોખું સત્ર યોજાશે. શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ સાથે જે એમઓયુ કરાયા છે તેને બે રીતે વર્ગીકૃત કરાયા છે, જેમાં સ્ટ્રેટેજીક એમઓયુ જેમાં યુનેસ્કો, માઈક્રોસોફ્ટ, કેમ્બ્રીજ, યુનિવર્સિટી, બ્રિટીશ કાઉન્સીલ ઓફ ઈન્ડિયા, ઈન્ડો-અમેરિકન એજ્યુકેશન સોસાયટી વગેરે સાથે 1872 એમઓયુ પોર્ટલ પર નોંધ્યા છે. જ્યારે ઈન્વેસ્ટમેન્ટ ઈન્ટેન્શન કેટેગરીમાં 2280 કરોડના 684 એમઓયુ નોંધાયા છે.