ચૂંટણી પંચે શુક્રવારે જણાવ્યું હતું કે, દેશમાં કેટલીક વિધાનસભા બેઠકો અને એક લોકસભા બેઠકો પર પેટા ચૂંટણીનો કાર્યક્રમ યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે. દેશમાં કુલ 57 બેઠકો, 56 વિધાનસભા બેઠકો તેમજ એક લોકસભા બેઠક ખાલી પડી છે. જો કે ચૂંટણી પંચે એ સ્પષ્ટ નથી કર્યું કે તમામ ખાલી પડેલી બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજવા તારીખો નક્કી થઈ છે કે કેમ.
ચૂંટણી પંચે તાજેતરમાં આઠ બેઠકો ઉપરની પેટા ચૂંટણી પૂર તેમજ કોરોનાની વર્તમાન પરિસ્થિતિને પગલે રદ કરવાની જાહેરાત કરી ત્યારબાદ એક બેઠક યોજી આ અંગે સ્પષ્ટતા કરી હતી.આઠ બેઠકો સાત વિધાનસભા અને એક લોકસાભની ખાલી બેઠકો ઉપર ચૂંટણી યોજવાની છ મહિનાની અવધિ 7 સપ્ટેમ્બરના પૂર્ણ થઈ રહી છે.
જ્યારે બાકીની 49 બેઠકો પર સપ્ટેમ્બર પછી ચૂંટણીનો ગાળો પૂર્ણ થઈ રહ્યો છે. ચૂંટણી પંચના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, શુક્રવારે યોજાયેલી સમીક્ષા બેઠકમાં વિધાનસભા અને લોકસભાની બેઠકો પર પેટા ચૂંટણી યોજવાનો નિર્ણય પંચ દ્વારા લેવાયો છે. આ અંગે કાર્યક્રમની જાહેરાત યોગ્ય સમયે કરવામાં આવશે.