ભારતમાં ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવામાં વિધાનસભા ચૂંટણી દરમિયાન રૂ. એક હજાર કરોડથી વધુની રકમ જપ્ત કરી છે. વિવિધ સરકારી એજન્સીઓની સક્રિયતાને કારણે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવા રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી 2022માં જપ્તીનો આંકડો એક હજાર કરોડની રકમને પાર કરી ગયો છે.
ચૂંટણી પંચે મોનિટરિંગ પ્રક્રિયા દ્વારા ચૂંટણીમાં મની પાવરના જોખમને રોકવા માટેના પ્રયાસો પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, પંજાબમાં સૌથી વધુ રૂ. 510.91 કરોડની જપ્તી કરવામાં આવી છે, જે પાંચ ચૂંટણીવાળા રાજ્યોમાં ટોચ પર છે. તે પછી ઉત્તર પ્રદેશ (રૂ. 307.92 કરોડ) અને મણિપુર (રૂ. 167.83 કરોડ) આવે છે. ઉત્તરાખંડમાં ચૂંટણી દરમિયાન 18.81 રૂપિયા અને ગોવામાં 12.73 રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા.
કુલ રૂ. 1018.20ની જપ્તીમાં રૂ. 140.29 કરોડની રોકડ, રૂ. 99.84 કરોડ (82,07,221 લીટરની કિંમતનો દારૂ), રૂ. 569.52 કરોડની દવાઓ, રૂ. 115.05 કરોડની કિંમતી ધાતુઓ અને રૂ. 93.5 કરોડની અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચે સીબીડીટી, સીબીઆઈસી, એનસીબી, આબકારી અને સીમાવર્તી રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓ જેવી અમલીકરણ એજન્સીઓના વડાઓ સાથે પાંચ રાજ્યોમાં ‘પ્રલોભન-મુક્ત’ ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા માટે યોજના બનાવી હતી. કમિશને રાજ્યોમાં યોજાયેલી બેઠકો દરમિયાન અમલીકરણ એજન્સીઓ અને પોલીસ નોડલ અધિકારીઓની વ્યાપક સમીક્ષા હાથ ધરી હતી. પંજાબ, ગોવા અને ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થઈ ચૂકી છે. દરમિયાન, ઉત્તર પ્રદેશમાં સાત તબક્કાની વિધાનસભા ચૂંટણીના ચાર તબક્કા પૂર્ણ થઈ ગયા છે. ઉત્તર પ્રદેશમાં બાકીના ત્રણ તબક્કાનું મતદાન 27 ફેબ્રુઆરી, 3 માર્ચ અને 7 માર્ચે થશે. મણિપુરમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 28 ફેબ્રુઆરી અને 5 માર્ચે યોજાશે. તમામ રાજ્યોમાં મતગણતરી 10 માર્ચે થશે.