દુનિયામાં હજુ કોરોના વાયરસનો કહેર શમ્યો નથી ત્યાં કોંગોના મબંડાકા શહેરમાં ઈબોલા વાયરસે ચાર લોકોના જીવ લીધા હોવાના સમાચાર છે. વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુએચઓએ પણ તેને પુષ્ટિ આપી છે.જાણવા મળતી વિગત મુજબ કોંગોના પશ્ર્ચિમ શહેર મબંડાકામાં ઈબોલા વાયરસના 6 નવા કેસ બહાર આવ્યા છે, જેમાં ચાર દર્દીઓના મોત નિપજયા છે.
વર્ષ 2018 બાદ બીજી વાર કોંગોમાં ઈબોલા વાયરસના નવા કેસો આવ્યા છે. જે શહેર મબંડાકામાં ઈબોલા વાયરસના મામલા બહાર આવ્યા છે ત્યાં હજુ સુધી કોરોના વાયરસનો એક પણ કેસ બહાર નથી આવ્યો. જો કે પુરા કોંગો દેશમાં કોરોનાના અત્યાર સુધીમાં 3000 કેસ બહાર આવી ચૂકયા છે.
વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠનના મહાનિર્દેશક ટેડ્રોસનું કહેવું છે કે કોરોના અને ઈબોલાનો આપસમાં કોઈ સંબંધ નથી. ઈબોલા આફ્રિકાના ઉષ્ણ કટીબંધીય વર્ષાવન વાળા વિસ્તારની ક્ષેત્રીય બીમારી છે, જે તેનાથી સંક્રમીત વ્યક્તિના શરીરથી નીકળતા તરલ પદાર્થના સંપર્કમાં આવવાથી ફેલાય છે.