ભારતમાં રહેવા માટે મોટા શહેરોમાં બેંગલુરૂ અને નાના શહેરોમાં શિમલા સૌથી શ્રેષ્ઠ શહેર છે. ભારત સરકાર દ્વારા ગુરુવારે બહાર પાડવામાં આવેલા ‘ઈઝ ઓફ લિવિંગ’ ઇન્ડિયા ઈન્ડેક્સમાં આ જાણકારી આપવામાં આવી છે. તેમાં કુલ 111 શહેરોનું રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય મકાન અને શહેરી બાબતોના પ્રધાન હરદીપસિંહ પૂરીએ રિપોર્ટ જારી કર્યો છે. ખાસ વાત એ છે કે દેશની રાજધાની દિલ્હી આ બન્ને કેટેગરીમાં 10મા નંબર સુધી પણ નથી પહોંચી શક્યું. દિલ્હી 13મા નંબર પર રહ્યું છે. આ યાદીમાં અમદાવાદ 10 લાખથી વધારે વસ્તીવાળા શહેરોમાં ત્રીજા નંબર પર છે. સુરત પાંચમાં ક્રમે અને વડોદરા સાતમા ક્રમે રહ્યું છે. 10 લાખ કરતા ઓછી વસ્તીવાળા શહેરોમાં ગાંધીનગર 7મા નંબર પર છે.
રહેવા માટે બેસ્ટ શહેરોના રેંકિંગ આપવા 111 શહેરોનો સર્વે કરવામાં આવ્યો હતો શહેરને બે કેટેગરીમાં વહેંચવામાં આવ્યા. પહેલી કેટેગરીમાં એ શહેર જોડાયા જેમની વસ્તી 10 લાખ કરતા વધારે હતી જ્યારે બીજી કેટેગરીમાં એ શહેરોનો સમાવેશ કરાયો છે જ્યાં 10 લાખ કરતા ઓછી વસ્તી હતી. આ શહેરોમાં એ વાત જોવામાં આવી કે તેમની ગુણવત્તા કેવા સ્તરની છે જ્યાં વિકાસના કામ કરાયા છે, તેની લોકોના જીવ પર કેવી અસર પડે છે.