ગીર-સોમનાથ જિલ્લાના તાલાલામાં મંગળવારની રાત્રીથી સોમવારની વહેલી સવાર સુધીમાં ભૂકંપના 19 આંચકા આવ્યા હતા. ભૂકંપની તીવ્રતા 1.7થી 3.3ની રહી હતી અને કોઇ જાનહાની કે નુકસાનના અહેવાલ મળ્યા નથી, જોકે વારંવાર ધરા ધ્રુજતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. તમામ ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ તાલાલા શહેરથી 12 કિમી દૂર નોર્થઇસ્ટમાં હતું.
તાલાલા પંથકમાં રાત્રે પોણા બે વાગ્યાથી લઇને સવારે સાડા સાત સુધીમાં સામાન્ય તીવ્રતાના સમયાંતરે 19 આંચકા અનુભવાયા છે. જેમાં સૌથી વધુ 3.3ની તીવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાયો છે.
ગાંધીનગર સ્થિત ઇન્સ્ટીટ્યૂટ ઓફ સીસ્મોલોજિકલ રિસર્ચ (આઇએસઆર)ના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર આ આંચતા ચોમાસા સંબંધિત હલચલ છે. ભારે વરસાદ બાદ ગુજરાત-સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં સામાન્ય રીતે ધરતીના પેટાળમાં આવી હલચલ થતી હોય છે. ભૂકંપના મોટા ભાગના આંચકાં 3થી ઓછી તીવ્રતાના હતા, પરંતુ છ આંચકા 3થી વધુની તીવ્રતાના હતા.