4 જૂન, 2024 ના રોજ, નવી દિલ્હી, ભારતમાં એક મતગણતરી કેન્દ્રની અંદર મત ગણતરી માટે ચૂંટણી અધિકારીઓ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) ખોલે છે. REUTERS/Anushree Fadnavis

ભારતમાં લોકસભાની ચૂંટણીની 4 જૂન સવારે આઠ વાગ્યે ચાલુ થયેલી મતગણતરીના પ્રારંભિક ટ્રેન્ડ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) 300 બેઠકો પર આગળ હતું, જ્યારે કોંગ્રેસનું આગેવાની હેઠળનું વિપક્ષનું ઇન્ડિયા ગઠબંધન 215 બેઠકો પર આગળ હતું. લોકસભાની કુલ 543 બેઠકોમાંથી સ્પષ્ટ બહુમતી માટેનો જાદૂઈ આંકડો 272નો છે. તમામ એક્ઝિટ પોલમાં એનડીએની પ્રચંડ વિજયની આગાહી કરાઈ હતી. જોકે વાસ્તવિક રિઝલ્ટમાં વિપક્ષી ગઠબંધન ટક્કર આપતું જોવા મળી રહ્યું છે.

પ્રારંભિક ટ્રેન્ડમાં એનડીએને ધારણા મુજબ વિજય ન મળતા શેરબજારોમાં ઇન્ટ્રા-ડે કડાકો બોલાયો હતો.
2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને 303 બેઠક મળી હતી. આ વખતે ભાજપ 250 બેઠકો પર આગળ હતું. મોદી 2014માં સૌપ્રથમવાર સત્તા પર આવ્યા હતા અને 2019માં પણ વાપસી થઈ હતી. જો સતત ત્રીજી વખત તેઓ બહુમતી સાથે વડાપ્રધાન બનશે તો જવાહરલાલ નેહરુના રેકોર્ડની બરાબરી કરશે.

લોકસભાની કુલ 80 બેઠકો સાથે ભારતના રાજકીય રીતે સૌથી વધુ મહત્ત્વના રાજ્ય ઉત્તરપ્રદેશમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધન અને કોંગ્રેસ-સમાજવાદી પાર્ટીના ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી હતી. આ વખતે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું હતું અને BSPએ એકલા હાથે ચૂંટણી લડી હતી. અખિલેશ યાદવની આગેવાની હેઠળની સમાજવાદી પાર્ટી 62 સીટો પર ચૂંટણી લડી રહી છે જ્યારે કોંગ્રેસ 17 સીટો પર લડી રહી છે.

2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના NDAને રાજ્યની 80 બેઠકોમાંથી 62 બેઠકો મળી હતી. 2019ની લોકસભાની ચૂંટણીમાં માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટી (BSP) અને અખિલેસ યાદવની સમાજવાદી પાર્ટીએ ગઠબંધન કર્યું હતું, જેમાં બીએસપીને 10 અને સમાજવાદી પાર્ટીના પાંચ બેઠકો મળી હતી.
મહારાષ્ટ્રમાં લોકસભાની કુલ 48 બેઠકો છે. રાજ્યમાં ભાજપે એકનાથ શિંદની શિવસેના અને અજિત પવારની એનસીપી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી. બીજી તરફ કોંગ્રેસે ઉદ્ધવ ઠાકરેની શિવસેના તથા શરદ પવારની એનસીપી સાથે ગઠબંધન કર્યું હતું. એકનાથ શિંદે અને અજિત પવારના બળવાને પગલે શિવસેના અને એનસીપીમાં વિભાજન થયા રાજ્યની રાજકીય સ્થિતિમાં મોટો બદલાવ આવ્યો હતો.

2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે મહારાષ્ટ્રમાં 23 બેઠકો જીતી હતી અને તેની તત્કાલીન સાથી શિવસેના (અવિભાજિત)ને 18 બેઠકો મળી હતી. તત્કાલીન અવિભાજિત NCPને ચાર બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસ માત્ર એક બેઠક જીતી શકી હતી.

પશ્ચિમ બંગાળમાં લોકસભાની કુલ 42 બેઠકો પર ભાજપ અને રાજ્યની સત્તારૂઢ મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ (ટીએસી) વચ્ચે સીધી ટક્કર છે. રાજ્યમાં કોંગ્રેસે ડાબેરી પક્ષો સાથે ગઠબંધન કર્યું છે.

બિહારની કુલ 40 બેઠકોમાંથી એનડીએ ગઠબંધન 29 બેઠકો પર આગળ હતું, જ્યારે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન 8 બેઠકો પર આગળ હતું. 2019ની લોકસભાની ચૂંટણીમાં રાજ્યની કુલ 40 બેઠકોમાંથી એનડીએ ગઠબંધને 39 બેઠકો જીતી હતી, જ્યારે વિપક્ષને માત્ર એક બેઠક મળી હતી.

 

LEAVE A REPLY