નોર્થ વેસ્ટ લંડનના ઇલીંગ રોડ પર આવેલા ‘ટેસ્ટ ઑફ ગુજરાત’ નામના ટેકઅવેના ફ્રિજમાંથી વાંદો મળી આવતા અને સ્ટાફ દ્વારા તેમના હાથ ધોવામાં આવતા ન હોવા સહિત વિવિધ હાઇજીન નિયમોના ભંગ બદલ રેકોર્ડ રૂપ £40,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ અગાઉ નબળી ફૂડ હાઇજીનના કારણે ટેક અવેને અનેક પ્રસંગોએ બંધ કરવું પડ્યું હતું.
ફૂડ હાઇજીન ઇન્સપેક્ટર્સે આદરેલી તપાસમાં ‘ટેસ્ટ ઑફ ગુજરાત’નું રસોડું “વાંદાઓથી છલકાતું” જણાયું હતું. કૈવલ અશોકભાઈ પટેલની માલિકીના આ ટેક-વેમાં વાંદાઓના ઉપદ્રવ, ફ્રિજ અને રસોડામાં જીવજંતુ તેમજ ખોરાકનો ખુલ્લામાં ખોટી રીતે સંગ્રહ કરાયો હોવાની સમસ્યાઓ જેવી શ્રેણીબધ્ધ સમસ્યાઓ જોવા મળી હતી. જેને કારણે વિક્રમરૂપ દંડ ચૂકવવા આદેશ આપવામાં આવ્યો હતો.
એન્વાયર્નમેન્ટલ હેલ્થ ઓફિસર્સે એ પણ શોધી કાઢ્યું હતું કે આ ટેક અવેમાં નળમાં ગરમ પાણી આવતું ન હતું. જેનો અર્થ છે કે સ્ટાફ તેમના હાથ અથવા સાધનો યોગ્ય રીતે ધોઈ શકતા ન હતા. તપાસ દરમિયાન કુલ મળીને ગંભીર ખાદ્ય સુરક્ષા ભંગના 12 પુરાવા મળ્યા હતા. આ અગાઉ 2014 અને 2020ની વચ્ચે નબળા હાઇજીન રેટિંગને કારણે આ ટેક અવેને ત્રણ વખત બંધ કરવાની ફરજ પડી હતી.
તે બિઝનેસ એપ્રિલ 2021માં ફરીથી બંધ થયો હતો. દુકાનને ડિકોન્ટમિનેટ કરી સ્વચ્છતામાં સ્પષ્ટ સુધારા કરાયા હોવાનું દર્શાવ્યા પછી જ તેને ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી.
ટેક અવેના નબળા રેકોર્ડને કારણે, મિસ્ટર પટેલને કોર્ટમાં બોલાવવામાં આવ્યા હતા જ્યાં તેમણે તમામ આરોપો માટે દોષિત હોવાનું કબૂલ કર્યું હતું.
જજે તેમને દરેક ગુના માટે £2,933, તેમજ £3,888નો પ્રોસિક્યુશન ખર્ચ અને £190નો વિક્ટીમ સરચાર્જ ચૂકવવાનો આદેશ આપ્યો. પટેલને 2025 સુધી ફૂડ બિઝનેસનું સંચાલન કરતા અટકાવવા હુકમ કરાયો હતો. બ્રેન્ટમાં ફૂડ હાઇજીનના ઉલ્લંઘન માટે £39,274નો કુલ દંડ કરાયો હોય તેવો રેકોર્ડ છે.