લુઇશામ પર, બૂન સ્ટ્રીટ ખાતે રહેતા ક્લિન્ટન હેનરી નામના યુવાનને 11 એપ્રિલ રવિવારના રોજ મોલ્સવર્થ સ્ટ્રીટ, લુઇશામ ખાતે કાયદેસરની મર્યાદા કરતા વધુ દારૂ પીને ઇ-સ્કૂટર ચલાવવા બદલ બ્રોમલી મેજિસ્ટ્રેટની કોર્ટે 17 મહિના ડ્રાઇવિંગ કરવા માટે અયોગ્ય ઠેરવી £170નો દંડ કરી ખર્ચ અને વિક્ટીમ સરચાર્જના £119 ચૂકવવાનો આદેશ આપ્યો હતો. તેની પાસે કાયદેસરનું લાઇસન્સ કે વીમો પણ ન હતો.
તે ઇ-સ્કૂટર પર લગભગ 30 માઇલની ઝડપે પસાર થતો હતો ત્યારે રોકતા તેણે દાવો કર્યો હતો કે તેની પાસે લાઇસન્સ અથવા વીમો ન હતુ અને તે જાણતો ન હતો કે તે ઇ-સ્કૂટર્સ માટે જરૂરી છે. તેણે રસ્તા પર પોતાના શ્વાસના નમૂના આપવાની ના પાડતા તેની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેના શ્વાસમાંથી 100 એમએલ દીઠ 77 માઇક્રોગ્રામ આલ્કોહોલ મળી આવ્યો હતો જે કાનૂની મર્યાદા 35 માઇક્રોગ્રામ કરતા ડબલ હતો.
તેના ઇ સ્કૂટરમાં લાઇટ નહોતી અને સીટ ફીટ કરેલી હતી જે પોલીસે કબજે કર્યું હતું. તેમાં 56૦૦ વોટની ઇલેક્ટ્રિક મોટર હોવાનું જણાયું હતું, જે 50 નાઇલ પ્રતિ કલાકથી વધુની ક્ષમતા ધરાવતું હતું અને તેમાં હોર્ન અને સાઇડ ઇન્ડીકેટર્સ પણ લગાવવામાં આવ્યા હતા.
મેટ પોલીસના રોડ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ પોલિસીંગ કમાન્ડના સાર્જન્ટ સ્ટીવ વિલ્સને કહ્યું હતું કે “ઇ-સ્કૂટર્સ લંડનના રસ્તાઓ અને પેવમેન્ટ્સ પર ચલાવવાં ગેરકાયદેસર છે. પરંતુ આપણે જાણીએ છીએ કે હજી પણ ઘણા લોકો કાયદાનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યા છે. યાદ રાખો કે ઇ-સ્કૂટર પણ મોટર વાહન છે. જો તમે રસ્તા અથવા પેવમેન્ટ પર ઇ-સ્કુટર ચલાવતા પકડાવ છો તો તેની તમારા નિયમિત ડ્રાઇવિંગ લાઇસન્સ પર અસર થઇ શકે છે. તમને £300નો દંડ અને ડ્રાઇવીંગ લાયસન્સ પર છ પેનલ્ટી પોઇન્ટ લાગી શકે છે. રસ્તાઓ લોકો માટે સલામત રહે તે માટે અમે ઇ-સ્કૂટર રાઇડર્સ સાથે સક્રિયપણે જોડાવાનું ચાલુ રાખીશું અને જરૂરી હોય ત્યાં કાયદો લાગુ કરીશું.”