ભારતનું ઇ-ગ્રોસરી માર્કેટવર્ષ 2024 સુધી તે આઠ ગણું વધીને 18.2 બિલિયન ડોલરનું થવાનો અંદાજ છે અને આ સમયગાળામાં તેમાં વાર્ષિક સરેરાશ 57 ટકાનો અસાધારણ વધારો થવાની ધારણા છે, એમ કન્સલ્ટિંગ કંપની રેડસીયર અને ઓનલાઇન ગ્રોસરી કંપની બિગબાસ્કેટના અહેવાલમાં જણાવાયું છે.
અહેવાલમાં જણાવ્યા અનુસાર 2019માં ભારતના ઇ-ગ્રોસરી માર્કેટ 1.9 બિલિયન ડોલરનું રહ્યું હોવાનો અંદાજ છે અને તે ચાલુ વર્ષના અંત સુધીમાં ત્રણ બિલિયન ડોલર થવાનો અંદાજ છે. ભારતનું આ માર્કેટ ફ્લિપકાર્ટ, રિલાયન્સ જિયોમાર્ટ, એમેઝોન ઇન્ડિયા અને સ્વીગી જેવી કંપનીઓ માટે બેટગ્રાઉન્ડ જેવું છે. કોરોના મહામારીને કારણે આ માર્કેટમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.
ગયા વર્ષે ઇ-ગ્રોસરી માર્કેટમાં 60 ટકા વૃદ્ધિ થઈ હતી. 2021ના પ્રથમ છ માસિકગાળા સુધી તેમાં 41થી 49 ટકા વૃદ્ધિનો અંદાજ છે. રેડસિયર અને બિગબાસ્કેટની વધુ એક રિપોર્ટ મુજબ નૂડલ્સ અને કુકીઝ જેવા ફૂડ, લીબું જેવા ઇમ્યુનિટી બુસ્ટર અને સેનેટાઇઝર જેવા હાઇજીન પ્રોડક્ટની માંગમાં વધારો થયો છે. લોકડાઉન દરમિયાન સ્નેક્સ અને બ્રાન્ડેડ ફૂડમાં બિસ્કિટ અને કુકીઝ સૌથી મોટી સબ-કેટેગરી હતી, જેની માંગ સૌથી વધુ વધી હતી. રેડસિયરના સ્થાપક અનિલ કુમારે જણાવ્યું હતું કે પરંપરાગત બ્રાન્ડ્સ જે અત્યાર સુધી ઓફલાઇન બિઝનેસ કરી રહી હતી તેઓ હવે ઓનલાઇન પ્લેટફોર્મ પર ઝડપથી પ્રગતિ કરી રહી છે.