ગુજરાત સરકારે પ્રાચીન તીર્થક્ષેત્ર અને ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકા, સુદર્શન સેતુથી વિશ્વપ્રસિદ્ધી પામેલા બેટ દ્વારકા અને બ્લુ ફ્લેગ બીચની આગવી ઓળખ ધરાવતા શિવરાજપુર સહિતના વિસ્તારોને પ્રવાસન અને સર્વગ્રાહી ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ ડેવલપમેન્ટ માટે “દ્વારકા-ઓખા શહેરી વિકાસ સત્તામંડળ”ની રચના કરી છે.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઓખા અને દ્વારકાની નગરપાલિકાઓ ઉપરાંત આરંભડા, સુરજકરાડી, બેટ દ્વારકા સહિતના વિસ્તારો તેમજ શિવરાજપુર અને વરવાળા ગ્રામ પંચાયતોના વિસ્તારો મળીને કુલ ૧૦,૭૨૧ હેક્ટર વિસ્તાર માટે આ “દ્વારકા-ઓખા શહેરી વિકાસ સત્તામંડળ”ની રચનાને મંજૂરી આપી હતી. અરબી સમુદ્રના કિનારે અને ગોમતી નદીના કાંઠે વસેલું પ્રાચીન તીર્થ દ્વારકા હિન્દુધર્મમાં ચાર પવિત્રધામ પૈકીનું એક ધામ છે. દ્વારકાધીશ મંદિર ઉપરાંત શંકરાચાર્યના મઠ અને અનેક મંદિરો સાથેનું આ તીર્થક્ષેત્ર ધાર્મિક નગરીની ખ્યાતી ધરાવે છે. દેશ-વિદેશના કરોડો શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના દર્શન સાથે આસપાસના જોવાલાયક ઐતિહાસિક સ્થળોની મુલાકાતે આવે છે. એટલું જ નહીં, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં બેટ દ્વારકાને દ્વારકા સાથે જોડતા બે કિલોમીટરથી વધુની લંબાઈના સુદર્શન સેતુના લોકાર્પણથી વિશ્વભરના પ્રવાસીઓ માટે બેટ દ્વારકાની મુલાકાત પણ વધુ સુવિધાસભર બનાવી છે.

આ બે ધર્મસ્થાનો સાથોસાથ અરબી સમુદ્રના કિનારે અને દ્વારકાથી નજીક આવેલો સફેદ રેતી-વાઈટ સેન્ડ અને નિસ્તેજ સાફ પાણી સાથેનો રાજ્યનો એક માત્ર ‘બ્લુ ફ્લેગ બીચ’ શિવરાજપુર પણ પ્રવાસન આકર્ષણનું કેન્દ્ર છે.

આ તમામ સ્થાનોના પ્રવાસે આવનારા યાત્રાળુઓ, પર્યટકોને સલામત અને સુરક્ષિત વાતાવરણ સાથે સંતોષકારક અનુભવ મળે તેવા હોલિસ્ટિક એપ્રોચ સાથે આ સમગ્ર વિસ્તારમાં મૂળભૂત નાગરિક સુવિધાઓ તેમજ તેના યોગ્ય અને અસરકારક સંચાલનને પહોંચી વળવા યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને વેગવંતુ બનાવવા માટે “દ્વારકા-ઓખા શહેરી વિકાસ સત્તામંડળ”ની રચના કરી છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments