40 વર્ષથી વધુ સમયનો અનુભવ ધરાવતા લંડનના ફાર્માસિસ્ટ 67 વર્ષીય દુષ્યંત પટેલને 2020માં મહિનાઓ સુધી ડ્રગના વ્યસનીને ગેરકાયદેસર અંડર-ધ-કાઉન્ટર ક્લાસ C દવાઓ સપ્લાય કરવાના બે ગુનાઓમાં દોષીત ઠેરવી યુકેની અદાલતે 18 મહિનાની જેલની સજા ફટકારી છે.
સ્થાનિક પોલીસે ઇસ્ટ ઈંગ્લેન્ડના નોરીચમાં ઓગસ્ટ 2020 માં અલીશા સિદ્દીકીનો મૃતદેહ મળી આવ્યાના ચાર મહિના પછી પટેલને શંકાસ્પદ તરીકે ઓળખી કાઢ્યા હતા. સિદ્દીકીના પોસ્ટમોર્ટમ બાદ ટોક્સિકોલોજીના પરિણામોમાં તેણીનું મૃત્યુ પ્રિસ્ક્રિપ્શન દવાઓના ઓવરડોઝથી થયું હોવાનું બહાર આવ્યું હતું. તેણીના ફોનની તપાસ કરતા જાન્યુઆરી અને ઓગસ્ટ 2020 વચ્ચે પટેલ સાથે તેણી વારંવાર વાતચીત કરતા હોવાનું બહાર આવ્યું હતું.
18 મહિનાની કસ્ટડીની સજા ફટકારતા જજ એલિસ રોબિન્સને કહ્યું હતું કે ‘’ફાર્માસિસ્ટ દ્વારા “વિશ્વાસનો ખૂબ જ ગંભીર ભંગ થયો છે.’’
પટેલ અને તેની પત્ની ઇસ્ટ લંડનમાં ફાર્મસી ચલાવતા હતા અને ફરિયાદ પક્ષે કોર્ટને કહ્યું હતું કે દવાઓના બદલામાં તે પૈસા મેળવતો હતો.