સમગ્ર નોર્થ ઇસ્ટ અને વેસ્ટ યોર્કશાયરમાં રહેતા વૃદ્ધ અને સંવેદનશીલ લોકોને પોલીસ હોવાનું જણાવીને કૌભાંડ આચરી £120,000ની ચોરી કરનાર લંડનની ગેંગના મહેકદીપ થિંડ (ઉ.વ. 33)ને છેતરપિંડી, મની લોન્ડરિંગ અને ખોટા ID રાખવાના કાવતરા માટે પાંચ વર્ષ અને સાત મહિનાની, તેવા જ આરોપો માટે એલનબી રોડ, સાઉથોલ, લંડનના અમદીપ સોખલ (ઉ.વ. 36)ને ચાર વર્ષ અને છ મહિનાની સજા ફટકારવામાં આવી હતી. જ્યારે મિડલસેક્સના હન્સલોના ઓલ્ડ કોટ ડ્રાઇવના કુલવિંદર સિંઘ (ઉ.વ. 25)ને મની લોન્ડરિંગ માટે 18 મહિનાની 18 મહિના માટે સસ્પેન્ડેડ સજા અને 240 કલાકની કોમ્યુનિટી સર્વિસ કરવાનો શુક્રવાર, 3 માર્ચના રોજ આદેશ આપવામાં આવ્યો હતો.
નોર્થ ઈસ્ટ રિજનલ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ યુનિટ (NEROCU)એ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 2020માં ત્રણેય આરોપીઓએ ભોગ બનેલા લોકોને ટેલિફોન કૉલ્સ કરી પોતે પોલીસ અધિકારી કે બેંકના સ્ટાફ અને સત્તાધારી વ્યક્તિઓ છે તેમ જણાવી “કુરિયર ફ્રોડ” કર્યા હતા. પીડીત લોકોને તેમના બેંક ખાતાઓનું કૌભાંડ કરાયું છે તેમ જણાવી તેમની જન્મ તારીખ, સરનામા વગેરે લઇને કૌભાંડ આચરવામાં આવ્યું હતું. લોકોને રોકડ, કિંમતી ચીજવસ્તુઓ અને બેંકની વિગતોના આ માટે ઉપયોગ કરાયો હતો તે કેટલાકને પોસ્ટ દ્વારા કિંમતી વસ્તુઓ અને રોકડ મોકલવાનું કહેવામાં આવ્યું હતું.
ત્રણેય જણાની ધરપકડ કરાયા બાદ આરોપ મૂકવામાં આવ્યો હતો. થિંડે છેતરપિંડી અને મની લોન્ડરિંગ કરવાના કાવતરાની કબુલાત કરી દોષિત હોવાનું કબૂલ્યું હતું. જો કે સોખલ અને સિંહે આરોપોને નકારી કાઢ્યા હતા. પાંચ સપ્તાહની ટ્રાયલ બાદ ગયા વર્ષે ડિસેમ્બરમાં ન્યૂકાસલ ક્રાઉન કોર્ટમાં બંનેને દોષિત ઠેરવ્યા હતા.
પોલીસે કોઇ અજાણી વ્યક્તિને પૈસા કે અંગત માહિતી આપતા પહેલા હંમેશા પોતાના વિશ્વાસુ વ્યક્તિ સાથે વાત કરવા જણાવ્યું હતું. જો તમને લાગે કે તમે કુરિયર ફ્રોડનો ભોગ બન્યા છો, તો 101 ઉફર પોલીસનો અથવા 0300 123 2040 ઉપર કૉલ કરીને એક્શન ફ્રોડનો સંપર્ક કરો.