ઈંગ્લેન્ડમાં વેસ્ટ મિડલેન્ડ્સના સ્મેથવિક શહેરમાં મંગળવારે એક હિંદુ મંદિર બહાર મુસ્લિમ સમુદાયના 200થી પણ વધારે લોકોએ વિરોધ-પ્રદર્શન કરીને નારાઓ બોલાવ્યા હતા. સોશિયલ મીડિયામાં આ ઘટનાના અનેક વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે જેમાં અનેક લોકો ‘અલ્લાહ હૂ અકબર’ના નારા બોલાવતા હોવાનું જણાય છે.
સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહેલા વીડિયોમાં લોકોનું ટોળું સ્પોન લેન સ્થિત દુર્ગા ભવન હિંદુ મંદિર તરફ આગળ વધી રહ્યું હોવાનું દેખાઈ રહ્યું છે. તે દરમિયાન તેઓ નારેબાજી પણ કરી રહ્યા છે.
આ ઘટના અંગે જાણ થયા બાદ સ્થાનિક પ્રશાસને કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસે પ્રદર્શનકારીઓને નિયંત્રણમાં લેવા માટે પ્રયત્ન કર્યો હતો. તે દરમિયાન કેટલાક લોકો મંદિરની દીવાલ પર ચઢતા પણ જોવા મળ્યા હતા. એક અહેવાલ પ્રમાણે અપના મુસ્લિમ નામના એક સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા મંગળવારે દુર્ગા ભવન મંદિર બહાર શાંતિપૂર્ણ વિરોધ કરવા આહ્વાન આપવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, એશિયા કપ દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ બાદ લીસેસ્ટર શહેરમાં હિંસક અથડામણ થઈ હતી. તાજેતરની આ ઘટનાને પણ તેના સાથે જોડીને જોવામાં આવી રહી છે. જોકે પોલીસે આ અંગેનું સાચું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે.