ઈસ્ટ મિડલેન્ડના ડર્બીના એલ્વાસ્ટનના એલ્વાસ્ટન લેન વિસ્તારમાં બ્રિટિશ પંજાબી સમુદાયમાં લોકપ્રિય થયેલી કબડ્ડી ટુર્નામેન્ટમાં ખલેલ અને હિંસક અવ્યવસ્થા કરી ગોળીબાર કરવાના બનાવમાં 24 થી 38 વર્ષની વયના ચાર પુરુષોની સોમવારે તા. 21ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. આ બનાવમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા જેમાં એકની ઇજા ગંભીર છે.
તા. 20ના રોજ રવિવારે થયેલી અથડામણના સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલ ફૂટેજમાં મોટી સંખ્યામાં લોકોને ડરના માર્યા વિખેરાઈ જતા, ગોળી ચલાવવામાં આવી હોવાના અવાજ અને તલવારધારી હુમલાખોરો પસાર થતા જોવા મળ્યા હતા. માનવામાં આવે છે કે આ ઘટના બે હરીફ ગેંગ વચ્ચેની અથડામણનું પરિણામ છે.
ડર્બીશાયર પોલીસના ચીફ સુપરિન્ટેન્ડેન્ટ એમ્મા એલ્ડ્રેડે જણાવ્યું હતું કે, “ઘટનાને લગતી માહિતી અંગે અમે વાત કરવા આતુર છીએ. અમે આ ઘટનાના વીડિયો વિશે તપાસ કરી રહ્યા છીએ. સમુદાયને આશ્વાસન આપવા માટે અધિકારીઓ આ વિસ્તારમાં છે અને તમારી પાસે કોઈ માહિતી હોય તો કૃપા કરીને અમારો સંપર્ક કરવા વિનંતી છે.”
અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે સ્થાનિક સમય અનુસાર 15.51 વાગ્યે એલવાસ્ટન લેન ખાતે અથડામણ થતા સશસ્ત્ર પોલીસ બોલાવવામાં આવી હતી. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
‘ડર્બી વર્લ્ડ’ના જણાવ્યા અનુસાર, રવિવારે ઇંગ્લેન્ડ કબડ્ડી ફેડરેશનની ટૂર્નામેન્ટમાં યુકેના નિષ્ણાત ખેલાડીઓ ભેગા થયા હતા. સ્થાનિક ડર્બી ટીમને ગુરુ અર્જન દેવ ગુરુદ્વારા કબડ્ડી ક્લબ તરીકે ઓળખવામાં આવે છે અને તેઓ 30 વર્ષ કરતા વધુ સમયથી રમત રમે છે.