નોટીંગહામ સ્થિત પ્રવાસના શોખીન શ્રીમતી ચંદ્રિકાબેન શેઠે છેલ્લા દાયકામાં પોતે જ્યાં જ્યાં પ્રવાસ કર્યો અને જે જોયું, જાણ્યું અને માણ્યું તે વિષે ગુજરાતી સરળ ભાષામાં સચિત્ર દર્શન કરાવતું પુસ્તક “દુનિયાના જોવાલાયક દેશો” બહાર પાડ્યું છે.

શ્રીમતી ચંદ્રિકાબેન શેઠે આ પુસ્તકમાં દુબઇ, પોર્ટુગલ, ટર્કી, ઇસ્ટ આફ્રિકા, નોર્થ આફ્રિકા, ટુનીશીયા અને ગ્રીસ જેવા દેશોનું વર્ણન તથા માહિતી રજૂ કરી છે. એક સામાન્ય ગૃહિણી પ્રવાસ કરે અને પછી તે પ્રવાસના સંસ્મરણો વિષે લખે અને તેને પુસ્તક સ્વરૂપે રજૂ કરે તે ઘટના જ નોંધપાત્ર છે. અન્ય ભાષાના પ્રકાશનોની સરખામણીમાં ગુજરાતી ભાષામાં પ્રવાસ વર્ણન અને તેને લગતાં પુસ્તકો ઘણાં ઓછા લખાયા છે. તેમાંયે ભારત બહાર અન્ય દેશોમાં વસતા લેખકોએ આ પ્રકારના પ્રવાસ વર્ણનના બહુ ઓછા પુસ્તકો લખ્યા છે કે આવા જૂજ પુસ્તકો જ ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ છે.

આ બધામાં યુ.કે. સ્થિત શ્રીમતી ચંદ્રિકાબેન શેઠનું પુસ્તક “દુનિયાના જોવાલાયક દેશો” અનેરી અને આગવી ભાત પાડે છે. આ પુસ્તક વાંચતા તેમનો ભાષાપ્રેમ, ભાષા પરનું પ્રભુત્વ તથા વિશ્વના અવનવા અને અદભુત દેશોની વાતો લોકો સુધી પહોંચાડવાની તેમની અદમ્ય ઇચ્છા સ્પષ્ટ થાય છે.

200 પાનાનું આ સુંદર અને સચિત્ર પુસ્તક અંત સુધી જકડી રાખે છે અને વાચકને સંતોષ અને આનંદ પુરા પાડે છે. આ પુસ્તકમાં ચંદ્રિકાબેને જુદા-જુદા દેશોની ભાષા, સંસ્કાર અને રીત-રિવાજો વિષે જે રીતે ઝીણવટભરી રીતે પોતાની કલમ દ્વારા અક્ષરદેહ અને વાચા આપી જે પ્રયાસ કરેલ છે તે માટે લેખિકાને ધન્યવાદ દેવા પડે. તેમણે આ પુસ્તક દ્વારા તેમના પૂર્વજોને શ્રદ્ધાંજલિરૂપે અર્પણ કરેલ છે.
દૃષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિઓ માટે “નવચેતન” ગુજરાતી બોલતા છાપું ઓડિયો કેસેટ અને સી.ડી. દ્વારા બહાર પડાતું તેમાં લેખિકા ચંદ્રિકાબેને રીડર અને સહતંત્રી તરીકેની જવાબદારી લગભગ 16 વર્ષ સુધી નિઃશુલ્ક સેવા આપી હતી. “નવચેતન”ના 300 અંક બહાર પાડ્યા હતાં જેમાં રજૂ કરાયેલા 150 ભજનો તો એમના સ્વરમાં ગવાયેલા હતા. આ બોલતા છાપાના ફાઉન્ડર શ્રી મણિભાઇ સામાણી (નોટીંગહામ) હતાં. તેમની દુઃખદ વિદાય બાદ આ પ્રોજેક્ટ બંધ કરવો પડ્યો. આ છાપું લેસ્ટરશાયર, ડર્બીશાયર, લંડન, માંચેસ્ટર, સ્કોટલેન્ડ, બર્મિંગહામમાં વિના મૂલ્યે મોકલવામાં આવતું હતું.
શ્રી મણિભાઇ સામાણીના પ્રોત્સાહનથી લેખિકા ચંદ્રિકાબેનને ઘણી તક અને સફળતા મળી છે તેમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી.
Book: Duniyana Jovalayak Desh

Author: Chandraika Sheth

Publishers: Praveen Prakashan

Price: £5.00

Contact: +44 7790 248 110.

LEAVE A REPLY