દેશના વડા પ્રધાન બોરિસ જોન્સને ડાઉનિંગ સ્ટ્રીટમાં કહ્યું હતું કે ‘’ “ખૂબ જ દુ:ખ સાથે ડ્યુકના મૃત્યુના સમાચાર મળ્યા છે. પ્રિન્સ ફિલીપે અસંખ્ય યુવાનોના જીવનને પ્રેરણા આપી છે. તેમણે રોયલ ફેમિલી અને રાજાશાહીને આગળ વધારવામાં મદદ કરી હતી જેથી તે આપણા રાષ્ટ્રીય જીવનના સંતુલન અને સુખ માટે નિર્વિવાદપણે મહત્વપૂર્ણ સંસ્થા બની શકે. પ્રિન્સ ફિલિપે અહીં યુનાઇટેડ કિંગડમ, કોમનવેલ્થ અને સમગ્ર વિશ્વમાં પેઢીઓનો સ્નેહ મેળવ્યો છે. તેઓ ઇતિહાસમાં સૌથી લાંબી સેવા આપનાર જીવનસાથી હતા. બીજા વિશ્વયુદ્ધમાં લડનાર પૈકી બચેલા છેલ્લા લોકોમાંના એક હતા.
સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનીસ્ટર નિકોલા સ્ટર્જનને શ્રધ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે ‘’ડ્યુકના મોતથી હું દુ: ખી છું. તેણીએ ટ્વિટ કર્યું: “હું મારો વ્યક્તિગત અને સ્કોટલેન્ડના લોકો વતી મારો હ્રદયપૂર્ણ અને ગહન શોક વ્યક્ત કરૂ છું અને મેજેસ્ટી ધ ક્વીન અને તેમના પરિવારને શ્રધ્ધાંજલિ પાઠવું છું. સ્કોટલેન્ડમાં જાહેર જીવનમાં તેમનો લાંબો ફાળો દેશના લોકો પર ગહન છાપ છોડશે”.
લેબર નેતા સર કેર સ્ટાર્મરે અંજલિ આપતાં કહ્યું હતું કે ‘’યુકેએ એક અસાધારણ જાહેર સેવક ગુમાવ્યો છે. વેલ્સના ફર્સ્ટ મિનીસ્ટર માર્ક ડ્રેકફોર્ડે કહ્યું હતું કે ‘’ડ્યુકે તાજની સેવા નિસ્વાર્થ નિષ્ઠા અને ભાવનાની ઉદારતા સાથે કરી હતી.’’
બ્રિટનની સંસદ સોમવારે ડ્યુકનું સન્માન કરશે, હાઉસ ઑફ કૉમન્સ બપોરે 2:30 કલાકે શ્રદ્ધાંજલિ બેઠક યોજનાર છે. બ્રિટનના વિવિધ પક્ષોએ તા. 6 મેના રોજ ઇંગ્લેન્ડના લંડન સહિતના વિવિધ શહેરોના મેયર પદની, સ્કોટિશ સંસદ અને વેલ્શ સંસદની ચૂંટણીઓના પ્રચારની કામગીરી રોકી દીધી હતી.
કેન્ટરબરીના આર્ચબિશપ જસ્ટિન વેલ્બીએ જણાવ્યું હતું કે તેમણે “સતત બીજાઓનાં હિતો પોતાના કરતાં આગળ રાખ્યા હતા અને આમ કરી ખ્રિસ્તી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું”.