મુંબઈમાં ચકચારી ક્રૂઝ ડ્રગ પાર્ટી કેસમાં દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યાં છે. આ કેસની તપાસ કરી રહેલી એજન્સી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ શનિવારે ઘટસ્ફોટ કર્યો હતો કે આ કેસની એક આરોપી મહિલા સેનિટરી નેપકિનમાં ડ્રગ્સ સંતાડીને જહાજમાં લાવી હતી. NCBએ આ ચકચારી કેસમાં અત્યાર સુધી 19 વ્યક્તિની ધરપકડ કરી છે.
NCBએ ડ્રગ પાર્ટી કેસમાં ફિલ્મ પ્રોડ્યુસર ઇમ્પિયાઝ ખત્રીને સમન્સ મોકલ્યા છે અ 11 ઓક્ટોબરે એજન્સી સમક્ષ હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. NCBએ શનિવારે બોલિવૂડ એક્ટર શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનના ડ્રાઇવરની પૂછપરછ કરી હતી. મુંબઈના દરિયામાં ક્રૂઝ શીપમાં પાર્ટીમાં નશીલા પદાર્થોનો ઉપયોગ થયો હતો અને આ કેસમાં આર્યન ખાનની ધરપકડ કરાઈ છે.
NCBએ શનિવારે વધુ એક ડ્રગ પેડલરની પૂછપરછ કરી હતી અને તેની ધરપકડ કરી હતી. આમ આ કેસમાં ધરપકડ કરવામાં આવેલી લોકોની સંખ્યા વધીને 19 થઈ છે.
NCBએ બે ઓક્ટોબરે કોર્ડિલિયા ક્રૂઝ શીપમાં કથિત ડ્રગ પાર્ટીમાં કાર્યવાહી કરી હતી. મુંબઈ મેજિસ્ટ્રેટ કોર્ટે ગુરુવારે આર્યન ખાન અને બીજા સાત આરોપીને 14 દિવસની જ્યુડિશલ કસ્ટડીમાં મોકલ્યા હતા.