પારિવારિક તકરારમાં બે વર્ષ પહેલાં વેસ્ટ મિડલેન્ડના ડડલીમાં ગોળીબાર કરી ચાર બાળકોના પિતા મોહમ્મદ હારૂન ઝેબની હત્યા કરવાના ગુનામાં ભારતીય મૂળના ગુરદીપ સંધુ અને અન્ય આરોપી હસન તસ્લીમને જીવને જોખમમાં નાખવાના ઈરાદા સાથે હથિયાર રાખવા અને આ અગાઉ ન્યાયના માર્ગમાં રૂકાવટ ઉભી કરવાના આરોપસર લાફબરો ક્રાઉન કોર્ટમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ કેસમાં પોલીસે હજારો કલાકના CCTV, ફોરેન્સિક્સ, સોશિયલ મીડિયા અને ફોન રેકોર્ડ્સનો અભ્યાસ કર્યો હતો.
ત્રીજા આરોપી 21 વર્ષીય શમરાઝ અલીને પણ ન્યાયના માર્ગને વિકૃત કરવા માટે દોષી ઠેરવવામાં આવ્યો હતો. જેમને હાલમાં કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે અને પછીથી સજા કરાશે.
ટેક્સી પેઢીના મેનેજર હારૂનને તા. 31 જાન્યુઆરી, 2021ના રોજ ઘરની બહાર ખેંચી જઇ ગોળી મારતા તેનું મૃત્યુ થયું હતું. હત્યા માટે વાપરેલી રીવોલ્વર હજુ સુધી રિકવર કરવાની બાકી છે. પોલીસને પુરાવા મળ્યા હતા કે બંદૂક તસ્લીમના હાથમાં હતી જ્યારે સંધુ કાર ચલાવતો હતો.
આ હત્યા 2018થી બે પરિવારો વચ્ચે ચાલી રહેલા ઝઘડામાં અગાઉ એક માણસની છરીના ઘા મારીને હત્યા કરાતા 2019માં એક વ્યક્તિને જેલ થઇ હતી.