દુબઇના 70 વર્ષના મિલિયોનેર શાસક શેખ મોહમ્મદ બિન રશિદ અલ મક્તૂમે તેમની 45 વર્ષની ભૂતપૂર્વ પત્ની પ્રિન્સેસ હયા બિન્ત અલ-હુસૈન વિરૂદ્ધ ડરાવવા, ધમકાવવાની એક કેમ્પેઈન ચલાવી હોવાનું જણાવતા લંડન હાઇકોર્ટના ન્યાયમૂર્તિ એન્ડ્રુ મેકફારલેને પ્રિન્સેસના બે સંતાનોને રક્ષણ આપતા આદેશો ગયા સપ્તાહે ફરમાવ્યા હતા અને શેખને પણ એવું ફરમાન કર્યું હતું કે તેણે પ્રિન્સેસ સામે કોઈપણ પ્રકારની ડરાવવા, ધમકાવવાની પ્રવૃત્તિઓ કરવી નહીં.
આ કેસમાં શેખે શરૂઆતમાં તો કોર્ટ પાસેથી એવા આદેશ જારી કરવાની વિનંતી કરી કે તેના બે સંતાનોને દુબઈ પાછા મોકલવામાં આવે, પણ પાછળથી એ વિનંતી પડતી મુકી હતી.
આ સમગ્ર કેસમાં કઈંક અંશે ભારત સરકાર અને તેની એજન્સીની પણ ભૂમિકા હોવાના સંકેતો મળે છે, પણ તે અંગે કોઈ સત્તાવાર પ્રતિભાવ ભારત સરકારે કે કોઈ એજન્સીએ આપ્યો નથી.
આ હાઇપ્રોફાઇલ કેસ લહભગ આઠ મહિના પહેલા શરૂ થયો હતો. કોર્ટે સુનાવણી પછી હકીકત શોધીને જે આદેશ આપ્યો તે પ્રિન્સેસ હયાની તરફેણમાં છે. પ્રિન્સેસ હયા ગત વર્ષે દુબઇ છોડી લંડન પહોંચી ગઇ હતી. કારણ કે તે પોતાના પતિના વિરુદ્ધ કાનૂની લડત લડવાની તૈયારી કરી રહી હોવાથી તેને પોતાના જીવનું જોખમ લાગતું હતું. શેખ મોહમ્મદે સંપૂર્ણ પ્રયાસ કર્યા કે કોર્ટનો આદેશ જાહેર ન થાય પરંતું તેવું બન્યું નહીં. સુનાવણી દરમિયાન કોર્ટને દુબઇના શાસક કોર્ટ પ્રત્યે ઇમાનદાર જણાયા નહીં. કોર્ટનો ચૂકાદો આવ્યા પછી શેખ મોહમ્મદે એક નિવેદનમાં જણાવ્યું કે, શાસક હોવાને કારણે તે કોર્ટની હકીકત જાણવાની પ્રક્રિયામાં ભાગ લેવા માટે હું અસમર્થ હતો. અને તેના કારણે જ આ પરિણામ આવ્યું છે કે, ફક્ત એક જ પક્ષની વાત કરવામાં આવી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આ એક અંગત મામલો હતો. હું મીડિયાને જણાવું છું કે, તે અમારા બાળકોની અંગત બાબતોનું સન્માન કરે. અને અહીં બ્રિટનમાં તેમના જીવનમાં દખલ ન કરે.
એક લાંબી પ્રક્રિયામાં કોર્ટે તમામ સાક્ષીઓના નિવેદન સાંભળ્યા પછી શેખ મોહમ્મદને અપહરણ માટે અને તેમની બંને પુત્રીઓ પર દબાણ લાવવા બદલ જવાબદાર માન્યા.
દુબઇના શાસકની પુત્રી શેખ લતિફાએ માર્ચ-2018માં કથિત રીતે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સાક્ષીઓનું કહેવું હતું કે, તેમને ભારતીય દરિયાઇ સીમા પાસે એક જહાજમાંથી બળજબરીપૂર્વક પકડીને પાછી દુબઈ લાવવામાં આવી છે. તો સંયુક્ત આરબ અમિરાતે આવા કોઇપણ અહેવાલને રદિયો આપતા જણાવ્યું હતું કે, રાજકુંવરી તેના ઘરમાં પરિવાર સાથે રહે છે. અહેવાલો મુજબ દુબઇના શેખની પુત્રી શેખ લતિફાએ સ્વતંત્ર જીવન જીવવા માટે વિદેશ ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
ફ્રાંસના ભૂતપૂર્વ જાસૂસ હર્વ જોબર્ટને 33 વર્ષની રાજકુંવરીને ભાગવામાં મદદ કરી હતી. અહેવાલો મુજબ તેને પકડવામાં આવી ત્યારે તેનું જહાજ નોસ્ટ્રોમો ભારતીય કિનારાથી 80 કિલોમીટર દૂર હતું. જોબર્ટનો આરોપ છે કે લતિફાને તેની ઇચ્છા વિરુદ્ધ હેલિકોપ્ટરમાં બેસાડી પરત લઇ જવામાં આવી હતી, અને તેને વિદેશમાં સ્થાયી થવું હતું. જ્યારે તે કથિત ગાયબ થઇ તે દરમિયાન એક વીડિયો જાહેર થયો હતો અને તેમાં તે ભાગવાના આયોજનબદ્ધ પ્રયત્ન અંગે વાત કરતી હતી.
શેખ લતિફા સિવાય શેખ શમસા પણ વર્ષ 2000માં બ્રિટનમાં રજાઓ માણવા દરમિયાન ભાગી ગઇ હતી. પરંતુ પછી શેખના એજન્ટ્સ તેને કેમ્બ્રિજશાયરથી પરત લઇ આવ્યા હતા. કહેવાય છે કે તેને ફરીથી બળજબરીપૂર્વક દુબઇ પરત લઇ જવાઈ હતી. સુનાવણી દરમિયાન ન્યાયાધિશને લાગ્યું કે, શેખ મોહમ્મદ પોતાનું ‘શાસન’ જાળવી રાખવા ઇચ્છે છે, તેના કારણે બંને યુવતીઓની સ્વતંત્રતા પર તરાપ મારવામાં આવી રહી છે. રાજકુમારી હયાનો જન્મ મે 1974માં થયો હતો. તેના પિતા જોર્ડનના કિંગ હુસૈન અને માતા મહારાણી આલિયા અલ-હુસૈન હતી. જ્યારે રાજકુમારી હયા ફક્ત ત્રણ વર્ષની હતી ત્યારે તેની માતા એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામી હતી. રાજકુમારી હયાનું બાળપણ બ્રિટનમાં વિત્યું હતું. તેમણે બે ખાનગી સ્કૂલ- બ્રિસ્ટલની બેડમિન્ટન સ્કૂલ અને ડોરસેટની બ્રયાનલ્ટન સ્કૂલમાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો.
પછી તેમણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી રાજકીય, ફિલોસોફી અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. રાજકુમારી હયાને ઘોડેસવારીનો પણ શોખ હતો અને 20 વર્ષની ઉંમરે તેમણે ઘોડેસવારી કારકિર્દી તરીકે પસંદ કરી હતી. ઘોડેસવારીમાં રાજકુમારી હયાએ વર્ષ 2000માં યોજાયેલ ઓલિમ્પિકમાં ધ્વજ લઇને જોર્ડનનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. 10 એપ્રિલ 2004ના રોજ રાજકુમારી હયાએ દુબઇના શાસક અને સંયુક્ત આરબ અમિરાતના ઉપરાષટ્રપતિ અને પ્રધાનમંત્રી શેખ મોહમ્મદ સાથે નિકાહ કર્યા હતા. બંનેની ઉંમરમાં 25 વર્ષનું અંતર છે. હયા 45 વર્ષની છે અને શેખ મોહમ્મદ 70 વર્ષના છે. રાજકુમારી હયા તેમની સૌથી નાની અને છઠ્ઠી પત્ની છે. તેમના બે સંતાનો છે, જે સાત અને 11 વર્ષના છે. લગ્ન પછી રાજકુમારી હયાએ ઘણીવાર કહ્યું હતું કે, તે શેખ મોહમ્મદ સાથે ખૂબ જ ખુશ છે. તેમણે પોતાની ખુશી જીવનના ચિત્રો પણ બનાવ્યા હતા.
અમિરાત વુમન મેગેઝિનના વર્ષ 2016ના અંકમાં રાજકુમારી હયાએ શેખ મોહમ્મદ અંગે જણાવ્યું હતું કે, ‘તે જે કંઇ પણ કરે છે તે અદભુત હોય છે. હું દરરોજ ઉપરવાળાનો આભાર માનું છું કે, હું તેમની ખૂબ જ નજીક છું.’ આ મેગિઝિનમાં રાજકુમારી હયા અને શેખ મોહમ્મદને એક આદર્શ દંપતી તરીકે રજૂ કરતો લેખ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. ગત વર્ષે જ્યારે શેખ મોહમ્મદની એક પુત્રી શેખ લતિફાએ દેશમાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો તો રાજકુમારી હયા અને શેખ મોહમ્મદ વચ્ચે તીરાડ પડી ગઇ હતી. વિશ્વભરમાં પ્રસરેલા એક વીડિયોમાં 33 વર્ષીય રાજકુંવરી શેખ લતિફા એવો દાવો કરે છે કે તેમના પરિવારમાં કોઇને પણ પોતાની પસંદગી કરવાનો સ્વતંત્ર અધિકાર નથી. લંડન કોર્ટના ન્યાયમૂર્તિએ પણ માન્યું કે, જે રીતે શમસાનું લગભગ 20 વર્ષ પહેલા ઇંગ્લેન્ડમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું તેમ શેખ રશિદ મુક્તૂમે જ લતિફાનું અપહરણ કરાવ્યું હતું. ફ્રાંસના ભૂતપૂર્વ જાસૂસ હર્વ જોબર્ટ અને લતિફાની માર્શલ આર્ટ મિત્ર ટીનાએ તેને ભાગવામાં મદદ કરી હતી. કોર્ટમાં ટીનાએ જણાવ્યું હતું કે, તે વર્ષ 2014માં દુબઇના રાજમહેલમાં લતિફાને બ્રાઝિલની માર્શલ આર્ટ શિખવાડવા માટે ગઇ હતી. તેના સંપર્કમાં આવ્યા પછી લતિફાએ ભાગવા માટે તેની મદદ માગી હતી. એક અહેવાલ મુજબ લતિફા ગોવા પહોંચીને અમેરિકાના ફ્લોરિડા માટે એક ફ્લાઇટ પકડવાની હતી.
મીડિયા અહેવાલ મુજબ શેખ લતિફા સમુદ્રના માર્ગે સંયુક્ત આરબ અમિરાતથી ભાગવામાં સફળ રહી હતી, જે માટે ફ્રાંસના એક વ્યક્તિએ તેને મદદ કરી હતી. પરંતુ ભારત પાસેની દરીયાઇ સીમામાંથી પકડીને ફરીથી દુબઇ મોકલવામાં આવી હતી. ડિસેમ્બરમાં જાહેર થયેલી તેમની તસવીરોમાં તે અમિરાતમાં આયર્લેન્ડના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મેરી રોબિન્સન સાથે બેઠેલી જોવા મળે છે. તે સમયે દુબઇના પ્રશાસને જણાવ્યું હતું કે, ઘર છોડીને ભાગેલી શેખ લતિફા બીજા દેશમાં શોષણનો ભોગ બની શકી હોત અને હવે તે દુબઇમાં સુરક્ષિત છે. કહેવાય છે કે, આ ઘટના પછી રાજકુમારી હયાને આ સંબંધમાં ઘણી નવી વાતો જાણવા મળી અને તેમના પતિએ તેના પર દબાણ વધારવાનું શરૂ કર્યું. રાજકુમારી હયાના નજીકના સૂત્રોએ બીબીસીને જણાવ્યું હતું કે, આ સંપૂર્ણ ઘટનાક્રમ પછી શેખ લતિફા પર પણ દબાણ વધ્યું હતું. રાજકુમારી હયા બ્રિટન જતા પહેલા જર્મની પણ ગઇ હતી. રાજકુમારી હયાની નજીકના લોકોનું કહેવું છે કે, પોતાના પતિને છોડીને ગયા બાદ તેને પોતાના જીવનો ડર હતો.
શેખ મોહમ્મદને જવાબદાર ઠેરવતો કોર્ટનો આ ચૂકાદો નિશ્ચિત પણે શેખ મોહમ્મદ માટે વ્યક્તિગત શરમજનક બાબત છે. એવામાં આ વાત પર આશ્ચર્ય નથી થતું કે, તેમના કાયદાકીય સલાહકારોની ટીમે આ મુદ્દાને જાહેરમાં ન આવવા દેવા માટે આટલા પ્રસાય કેમ કર્યા. શેખ મોહમ્મદના બ્રિટન સાથે ગાઢ સંબંધ છે. તેઓ બ્રિટનની જાણીતી સૈન્ય એેકેડમી સેન્ડહર્સ્ટના સ્નાતક છે. મહારાણી એલિઝાબેથની જેમ તેમને પણ ઘોડા પ્રત્યે પ્રેમ છે અને બ્રિટનના ઘોડેસવાર ઉદ્યોગના પ્રભાવશાળી વ્યક્તિ છે. તેમની અને તેમના પરિવારની બ્રિટનમાં ઘણી સંપત્તિ છે. તેમના નેતૃત્ત્વ દરમિયાન જ દુબઇ એક મુખ્ય વ્યાપારિક કેન્દ્ર અને પર્યટન સ્થળ તરીકે પ્રસ્થાપિત થયું. જોકે, લંડનમાં ચાલેલી કાયદાકીય ખેંચતાણની વચ્ચે તેમને પોતાના ઘર દુબઇમાં રાજકીય અને આર્થિક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રિન્સેસ હયાએ જણાવ્યું હતું કે, શમસા અને લતિફાને મદદ કરવા બદલ શેખ મોહમ્મદ સાથેના તેના સંબંધ વણસ્યા હતા. ન્યાયમૂર્તિએ જણાવ્યું હતું કે, શેખ મોહમ્મદ જાણતા હતા કે, રાજકુમારી હયાને અગાઉ તેના એક બોડીગાર્ડ સાથે સંબંધો પણ હતા. રાજકુમારી હયાએ જણાવ્યું હતું કે, તેણે ફેબ્રુઆરી 2019માં શરિયા કાયદા મુજબ શેખ મોહમ્મદથી છૂટાછેડા લીધા હતા.