Getty Images)

આઈપીએલની 13મી સીઝન આ વર્ષે રમાશે કે નહીં તેની અનિશ્ચિતતા વચ્ચે અમીરાત ક્રિકેટ બોર્ડે બીસીસીઆઈને ઓફર કરી છે કે તે આ વખતે આઈપીએલનું આયોજન પોતાને ત્યાં કરી શકે તેમ છે. આઈપીએલ આ વર્ષે 29 માર્ચથી શરૂ થવાની હતી પરંતુ કોરોના વાઈરસના વૈશ્વિક રોગચાળાને કારણે તે સ્થગિત કરી દેવાઈ છે.
ટી-20 વર્લ્ડ કપ તેના નિયત કાર્યક્રમ મુજબ યોજાય નહીં તો એ સમયગાળામાં, ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતીય ક્રિકેટ બોર્ડ આઈપીએલનું આયોજન કરવા વિચારી રહ્યું છે. કોવિડ-19ને કારણે આ વખતે ઓસ્ટ્રેલિયામાં યોજાનારી ટી-20 વર્લ્ડ કપ સામે પણ અનિશ્ચિતતાના વાદળો ઘેરાયેલા છે.
ગલ્ફ ન્યૂઝ અખબારના એક રીપોર્ટ પ્રમાણે, યુએઈ ક્રિકેટ બોર્ડે ભારતીય બોર્ડને ઓફર કરી છે કે આઈપીએલનું આયોજન આરબ અમિરાતમાં કરી શકાય તેમ છે. યુએઈ ક્રિકેટ બોર્ડના મહામંત્રી મુબાશિર ઉસ્માનીએ કહ્યું હતું કે ભૂતકાળમાં પણ અમીરાત ક્રિકેટ બોર્ડે આઈપીએલનું યુએઈમાં સફળ આયોજન કર્યું છે. અમારી પાસે ઘણી દ્વિપક્ષીય સિરીઝના સફળ આયોજનનો અનુભવ છે.