ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે થોડા દિવસોની અંદર અબુ ધાબી અને દુબઈ ગુરુવારે ફરી જળબંબાકાર થયું હતું. ભારે વરસાદને કારણે ઘણી ફ્લાઇટ્સો રદ થઈ હતી અને બસ સર્વિસ સ્થગિત થઈ હતી. અગાઉ એપ્રિલના અંત ભાગમાં યુનાઈટેડ આરબ અમીરાતમાં ભારે પૂર આવ્યું હતું.
સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ અબુ ધાબીના કેટલાંક વિસ્તારોમાં શેરીઓમાં પાણી ભરાયા હતા, જ્યારે જેબેલ અલી, અલ મકતુમ ઈન્ટરનેશનલ એરપોર્ટ, દુબઈ ઈન્ડસ્ટ્રીયલ સિટી, દુબઈ ઈન્વેસ્ટમેન્ટ્સ પાર્ક અને જુમેરાહ વિલેજ ટ્રાયેન્ગલમાં જોરદાર પવન ફૂંકાયો હતો.
ખલીજ ટાઈમ્સના રીપોર્ટ અનુસાર રાત્રે દુબઈમાં આવતી પાંચ ફ્લાઈટ્સ ડાયવર્ટ કરાઈ હતી અને દુબઈથી બહાર જતાં ચાર ફ્લાઈટ્સ રદ કરાઈ હતી. અન્ય નવ ફ્લાઇટ્સ પણ રદ કરાઈ હતી. અમીરાતની ઘણી ફ્લાઇટ્સ પણ રદ કરાઈ હતી. લગભગ એક કલાક પછી સવારે 4 વાગ્યે, દેશના હવામાન વિભાગે વરસાદી વાદળછાયા વાતાવરણનું એલર્ટ જારી કર્યું હતું. 3મે સુધી દેશમાં હવામાનની પ્રતિકૂળ સ્થિતિ રહેવાની ધારણા છે. રહેવાસીઓને વરસાદની સ્થિતિમાં સલામતીનાં પગલાંનું પાલન કરવાની સલાહ પણ અપાઈ હતી.
એક્સ પરની એક પોસ્ટમાં, ઈન્ડિગોએ જણાવ્યું હતું કે હવામાનની પ્રતિકૂળ સ્થિતિને કારણે દુબઈ, અબુ ધાબી અને શારજાહ માટેની ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે. કંપનીએ એરપોર્ટ જતા પહેલા ફ્લાઇટ સ્ટેટસ જોવાનો અનુરોધ કર્યો હતો.