દુબઈએ ભારત સહિત અન્ય કેટલાક દેશોથી આવતા નિવાસી લોકો માટે ટ્રાવેલ નિયંત્રણોને હળવા કર્યા છે. જોકે આવા લોકોએ ફરજિયાતપણે યુએઈ દ્વારા સ્વીકૃત કોવિડ-19 વેક્સિનના બંને ડોઝ લીધેલા હોવા જોઇએ, એમ મીડિયા અહેવાલમાં જણાવાયું હતું. ભારતમાંથી ટ્રાવેલના સંદર્ભમાં યુએઇની માન્યતા ધરાવતી વેક્સીનનના બે ડોઝ લીધેલા વેલિડ રેસિડેન્ટ વિઝા સાથેના મુસાફરો દુબઇમાં આવી શકશે.
દુબઈમાં ક્રાઈસીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની સર્વોચ્ય સમિતિએ દક્ષિણ આફ્રિકા, નાઈજિરિયા અને ભારતથી આવતા મુસાફરોના સંબંધમાં દુબઈના ટ્રાવેલ પ્રોટોકોલની જાહેરાત કરી છે. આ નવા નિયમ હેઠળ ભારત, નાઈજિરિયા અને દક્ષિણ આફ્રિકાના રેસિડેન્ટ વીઝા ધરાવતા મુસાફરો પ્રવાસ ખેડી શકશે. આ નિયમો 23 જૂનથી અમલી બનશે.
જાહેરાત પ્રમાણે ભારતથી દુબઈ આવતા આવા મુસાફરો પાસે ફક્ત માન્ય રેસિડેન્ટ વીઝા હોય તે જ જરૂરી રહેશે. જોકે પ્રવાસીઓએ સંયુક્ત આરબ અમીરાત દ્વારા માન્ય કોવિડ-19 વેક્સિનના બંને ડોઝ ફરજિયાત લીધેલા હોવા જોઇએ. રિપોર્ટ પ્રમાણે યુએઈ સરકારે જે 4 વેક્સિનને માન્યતા આપી છે તેમાં સિનોફાર્મા, ફાઈઝર-બાયોએનટેક, સ્પુતનિક-વી અને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા વેક્સિનનો સમાવેશ થાય છે.