કોરાના મહામારીના પ્રથમ વર્ષ 2020માં દેશમાં છેલ્લાં પાંચ વર્ષમાં સૌથી વધુ નશીલા પદાર્થોનો જથ્થો ઝડપાયો હતો. દેશમાં 2020માં અફીણનો 5,212 કિગ્રો અને હેરોઇનનો 3,838 કિગ્રો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના રીપોર્ટમાં આપેલા આવેલા ડેટા દર્શાવે છે કે દેશમાં નશીલા પદાર્થોના સેવનમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના એકઠા કરેલા ડેટા મુજબ 2020માં 5,212 કિગ્રા અફીણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, આ આંકડો 2019માં 4,488 કિગ્રા હતો. એ જ રીતે જપ્ત કરવામાં આવેલા હેરોઇનનોનો જથ્થો પણ વધ્યો હતો. 2019માં 3,231 કિગ્રા હેરોઇન જપ્ત કરાયું હતું, જે 2020માં વધીને 3,838 કિગ્રા થયું હતું. 2020માં 5,81,644 કિગ્રા ગાંજો જપ્ત કરાયો હતો. 2019માં આ પ્રમાણ 3,42,045 હતું. ગયા વર્ષે 841 કિગ્રા એફેડ્રિન જપ્ત કરવામાં આવ્યું હતું, જેનું પ્રમાણ 2019માં 686 કિગ્રા રહ્યું હતું. આ ઉપરાંત ઝડપી લેવામાં આવેલો હશિશનો જથ્થો પણ આ સમયગાળામાં 3,572 કિગ્રાથી વધીને 6,643 કિગ્રા થયો હતો. એનસીબીએ વર્ષ 2020 માટે તાજેતરમાં જારી કરેલા અહેવાલમાં આ ડેટા આપવામાં આવ્યા છે.
2020નો આ આંકડો છેલ્લાં પાંચ વર્ષમાં સૌથી ઊંચો છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર 2019 સુધીના અગાઉના વર્ષોની તુલનામાં અફીણની જપ્તીની સંખ્યાનો ટ્રેન્ડ અલગ અલગ રહ્યો છે, પરંતુ જપ્ત કરવામાં આવેલો કુલ જથ્થો 2020માં વધીને 5,212 કિગ્રા છે. જોકે પાર્ટી ડ્રગ્સ ગણાવતા કોકેઇનની જપ્તી 2020માં ઘટીને 19 કિગ્રા થઈ હતી, જે 2019માં 66 કિગ્રા હતી. કોકેઇનની જપ્તીમાં ઘટાડાનું મુખ્ય કારણે કોરોનાના કારણે બંધ રહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટસ છે. ભારતમાં સામાન્ય રીતે આર્જેન્ટિના, બ્રાઝિલ, ઇથોપિયા અને અફઘાનિસ્તાનના હવાઇ માર્ગ મારફત આ પાર્ટી ડ્રગ્સ લાવવામાં આવે છે.