ગુમ થયેલા બે બાળકોની મદદ લઇ ડ્રગનો પુરવઠો લંડન, બર્મિંગહામ અને બૉર્નમથમાં સપ્લાય કરનાર છ પુરુષો અને બે એશિયન સ્ત્રીઓની બનેલી ગેંગને મેટ પોલીસની તપાસ બાદ જેલમાં ધકેલી દેવાઇ હતી. ગુમ થયેલા બન્ને બાળકોને સુરક્ષિત કરી તેઓ ભવિષ્યમાં કાઉન્ટી લાઇન ડ્રગ્સ પ્રવૃત્તિમાં સામેલ ન થાય તે માટે વ્યવસ્થા કરાઇ છે. સાત સપ્તાહની ટ્રાયલ બાદ, બોર્નમથ ક્રાઉન કોર્ટમાં પાંચને દોષિત ઠેરવી 22 જૂનના રોજ 39 વર્ષથી વધુની જેલની સજા ફટકારવામાં આવી હતી.
આ તપાસના પરિણામે બોર્નમથની શેરીઓમાં ક્રેક કોકેઈન અને હેરોઈન મળતું બંધ થઈ ગયું હતું. ક્લાસ એ ડ્રગ્સ – ક્રેક કોકેઈન અને હેરોઈન સપ્લાય કરવાના આરોપ બદલ આદમ શેખ (ઉ.વ. 24)ને બાર વર્ષની; સરીના દુગ્ગલ (ઉ.વ. 28)ને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
ગિલફર્ડ ડ્રાઇવ, બર્મિંગહામના સાદ નૂર (ઉ.વ. 26)ને આઠ વર્ષની; બાથ રોડ, વેસ્ટ ડ્રેટોનની હાફસા ખાન (ઉ.વ. 23)ને છ વર્ષની; રેડ્રિફ રોડ, સ્ટ્રેટફોર્ડ, E13 ના ફેલિસિયાનો મેન્ડેસ (ઉ.વ. 19)ને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. બરહામ ક્લોઝ, પીંજ, SE20ના લી કિચનર (ઉ.વ. 20)ને ચાર વર્ષ અને છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી.
3 જુલાઈ 2022 ના રોજ ફાર્નબરોનો 16 વર્ષનો છોકરો બોર્નમથમાંથી ક્રેક કોકેઈન અને હેરોઈનના મોટા જથ્થા તથા મોબાઇલ ફોન સાથે પકડાયા બાદ તપાસ શરૂ થઇ હતી. કાઉન્ટી લાઇન્સ ગેંગ દ્વારા બાળકનો ઉપયોગ કરાયો હોવાનું બહાર આવ્યા બાદ મેટ પોલીસની ઓપ ઓરોચી ટીમને મોકલવામાં આવી હતી. વિસ્તૃત તપાસ બાદ ચાર અપરાધીઓ, શેખ, નૂર, ખાન અને દુગ્ગલની ઓળખ થઇ હતી.
બોર્નમથમાંથી પોલીસે કિચનર અને મેન્ડેસની ધરપકડ કરતા ક્રેક કોકેઈન અને હેરોઈનનો મોટો જથ્થો તથા બોર્નમથના બોસ્કોમ્બ વિસ્તારના એક ફ્લેટમાંથી વોરિકશાયરનો અન્ય 16 વર્ષીય ગુમ થયેલ છોકરો મળી આવ્યો હતો. આ કાઉન્ટી લાઇનની 26 કાઉન્ટીના પોલીસે તપાસ કર્યા બાદ પોલીસ ન્યાય અપાવી શકી હતી.
સંડોવાયેલા કિશોરો પર કાર્યવાહી કરાઇ ન હતી. પોલીસે 1 એપ્રિલ 2022થી કાઉન્ટી લાઇન્સમાંથી કુલ 33 બાળકોને બચાવીને 23 ઓપરેશનો હાથ ધર્યા છે અને 31 વ્યક્તિઓ પર આધુનિક ગુલામીના ગુનાનો આરોપ મૂક્યો છે.