ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં એક મર્ચન્ટ વેસેલ પર શંકાસ્પદ ડ્રોન હુમલો થયો હતો. આ વેપારી જહાજમાં 21 ભારતીયો સહિત 23 ક્રૂડ મેમ્બર હતાં. આ હુમલાના એક દિવસ પછી અમેરિકાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ હવાઈ હુમલો ઈરાનથી કરવામાં આવ્યો હતો.
પેન્ટાગોનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે લાઇબેરિયા-ધ્વજવાળુ, જાપાનની માલિકીનું અને નેધરલેન્ડ સંચાલિત મોટર જહાજ CHEM PLUTO કેમિકલ ટેન્કર પર સ્થાનિક સમયાનુસાર સવારે 10 વાગ્યે (6 am GMT) ભારતના દરિયાકાંઠાથી 200 નોટિકલ માઇલ દૂર હિંદ મહાસાગરમાં ઇરાનમાંથી ડ્રોન હુમલો થયો હતો.
ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર હુમલામાં કોઈને નુકસાન થયું નથી. જોકે કેટલાંક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જહાજમાં આગ લાગી હતી, જેને કાબૂમાં લેવામાં આવી હતી. બ્રિટિશ મિલિટ્રીના મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સેના રીપોર્ટ મુજબ જહાજ ગુજરાતના વેરાવળથી લગભગ 200 નોટિકલ માઇલ દૂર હતું.
લાઇબેરિયન-ધ્વજવાળા કોમર્શિયલ જહાજ કેમ પ્લુટોને મદદ કરવા માટે ભારતીય નૌકાદળે P8I મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ અને એક યુદ્ધ જહાજ રવાના કર્યું હતું. આ જહાજે 19 ડિસેમ્બરે સાઉદી અરેબિયાના અલ જુબેલથી ક્રૂડ ઓઇલ લઇને સફર ચાલુ કરી હોવાનું માનવામાં આવે છે. તે ન્યૂ મેંગલોર આવી રહ્યું હતું, જ્યાં તે 25 ડિસેમ્બરે આવવાની ધારણા હતી.
આ ઘટના ઑક્ટોબર 7ના હમાસ દ્વારા ઇઝરાયેલ પરના હુમલા પછી વધતા પ્રાદેશિક તણાવ અને શિપિંગ લેન માટેના નવા જોખમને હાઇલાઇટ કરે છે. પેન્ટાગોનના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે “2021 થી કોમર્શિયલ શિપિંગ પર આ સાતમો ઈરાની હુમલો છે.”