ખેડૂતોની આવકને વેગ આપવા માટે સરકારે કૃષિ સંલગ્ન ક્ષેત્ર અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્ર માટેની અંદાજપત્રિય ફાળવણીમાં વધારો કર્યો છે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રના સ્ટાર્ટ-અપ માટે નાણાકીય સપોર્ટ અને કિસાન ડ્રોનના ઉપયોગ માટે પ્રોત્સાહનની પણ જાહેરાત કરવામાં આવી છે.
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય માટેની ફાળવણી 2022-23ના નાણાકીય વર્ષ માટે 4.5 ટકા વધારીને રૂ.1,32,513 કરોડ કરી છે. ફિશરી, પશુપાલન અને ડેરી મંત્રાલય માટેની ફાળવણી 44 ટકા વધારીને રૂ.6,407.31 કરોડ કરી છે, જ્યારે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી માટેની ફાળવણી 2.25 ગણી વધારીને રૂ.2,941.99 કરોડ કરી છે. સરકાર તેલીબિયાના ઉત્પાદનમાં વધારો કરવા એક સર્વગ્રાહી યોજનાનો પણ અમલ કરશે.
સરકાર પાકની ચકાસણી, લેન્ડ રેકોર્ડના ડિજિટલાઇઝેશન અને જંતુનાશકોના છંટકાવ માટે કિસાન ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપશે. કૃષિ ક્ષેત્રના સ્ટાર્ટ-અપ અને ગ્રામીણ એન્ટરપ્રાઇઝને નાણાકીય સહાય આપવા માટે સરકાર નાબાર્ડ મારફત કો-ઇન્વેસ્ટમેન્ટ મોડલ હેઠળ ફંડ ઉપલબ્ધ કરાવશે. ખેડૂતોને ડિજિટલ અને હાઇ ટેક સર્વિસ ઉપલબ્ધ કરવા માટે સરકાર જાહેર ખાનગી ભાગીદારી (પીપીપી) મોડલના આધારે એક સ્કીમ લોન્ચ કરશે.