અમેરિકાએ ડ્રોન હુમલો કરીને સિરિયામાં ઇસ્લામિક સ્ટેટ (આઇએસ) ગ્રૂપના વડા માહેર-અલ-અગલને મોતને ઘાટ ઉતર્યો છે. અમેરિકાના આ હુમલામાં ઇસ્લામિક સ્ટેટ ગ્રૂપનો બીજો એક ખુંખાર આતંકી પણ ગંભીર રીતે ઘવાયો હતો, એમ પેન્ટાગોને મંગળવારે જણાવ્યું હતું. ઇસ્લામિક સ્ટેટ ગ્રૂપ રક્કા પર અંકુશ ધરાવતું હતું ત્યારે અલ-અગલ આ ગ્રૂપનો મહત્ત્વનો કમાન્ડર હતો. તેને તુર્કીનું સમર્થન ધરાવતા આતંકી જૂથનું સમર્થન મળતું હતું. ઇસ્લામિક સ્ટેટના ટોચના ચાર નેતાઓમાં તેનો સમાવેશ થતો હતો.
યુએસ સેન્ટ્રલ કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મંગળવારે માહેર અલ-અગાલનું મોત થયું છે અને બીજો એક આતંકી ગંભીર રીતે ઘવાયો છે. આ આતંકીની ઓળખ થઈ શકી ન હતી. પેન્ટાગોને જણાવ્યું હતું કે આ હુમલામાં સામાન્ય લોકોને કોઇ નુકસાન થયું ન હતું. અમેરિકાએ દક્ષિણપશ્ચિમ સિરિયાના શહેર જિંદારિસ પર ડ્રોનથી હુમલા કર્યા હતા. આ શહેર તુર્કીની સરહદ પર આવેલું છે.
વોશિંગ્ટન સ્થિત કાર્નેગી એન્ડોવમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસના જણાવ્યા અનુસાર ઇસ્લામિક સ્ટેટ ગ્રૂપ સિરિયાથી લઇને ઇરાક સહિતના આશરે એક લાખ ચોરસ કિલોમીટર કરતાં વધુ વિસ્તારમાં કબજો ધરાવતું હતું અને 80 લાખ લોકો પર શાસન કરતું હતું. આ આતંકી સંગઠનના અંકુશ હેઠળના વિસ્તારમાં 2019માં મોટો ઘટાડો થયો હતો. તેનાથી તેના આતંકીઓ ગેરિલા યુદ્ધ તરફ વળ્યા છે અને ફરી પોતાનું સંગઠન ઊભું કરી રહ્યાં છે. ઇસ્લામિક સ્ટેટ ગ્રૂપના વડા અબુ ઇબ્રાહિમ અલ-હાશિમી-અલ-કુરેશીમોતના થોડા મહિનામાં અલ-અગલ પર અમેરિકાએ આ હુમલો કર્યો હતો. અમેરિકાના સ્પેશ્યલ દળોએ અલ-કુરેશીના ગુપ્ત સ્થાનો હુમલો કર્યો ત્યારે આ આતંકીએ પોતાના પરિવારના સભ્યો સહિત પોતાની જાતને બોંબ વિસ્ફોટથી ઉડાવી દીધી હતી.