ડ્રાઇવર અને વ્હીકલ સ્ટાન્ડર્ડ એજન્સીના તાજેતરના આંકડા અનુસાર, કોરોનાવાઇરસ રોગચાળાને કારણે ઉભા થયેલા બેકલોગને કારણે લગભગ 524,000 લર્નર ડ્રાઇવરો તેમના ડ્રાઇવીંગ ટેસ્ટની રાહ જોઈ રહ્યા છે અને ઘણા બધા લોકોને તો છ મહિના સુધી ટેસ્ટનો સ્લોટ મળતો નથી. યુકેમાં લર્નર ડ્રાઇવરોને ટેસ્ટની તારીખ મેળવવા માટે સરેરાશ 13.6 અઠવાડિયાની રાહ જોવી પડે છે.
DVSA ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘’પ્રેક્ટીકલ ડ્રાઈવિંગ ટેસ્ટ માટે રાહ જોવાનો સમય તમે ક્યાં રહો છો તેના આધારે બે અઠવાડિયાથી લઈને 24 અઠવાડિયા સુધીનો છે. શ્રોપશાયરના વિદ્યાર્થીઓ પાંચ મહિના સુધી રાહ જોઈ રહ્યા છે અને ટેસ્ટ માટે 70 માઈલ સુધી મુસાફરી કરી રહ્યા છે. દરેક નવા લર્નર ડ્રાઇવરે પાંચ કે છ મહિના રાહ જોવી સામાન્ય છે.’’
રોગચાળા પહેલા આ એપોઇન્ટમેન્ટ ત્રણ અઠવાડિયામાં મળતી હતી. જો તમે પ્રથમ ટેસ્ટમાં નાપાસ થાવ તો તમારે બીજા ટેસ્ટ માટે બીજા 6 માસ સુધી રાહ જોવી પડે છે ત્યાં સુધીમાં તો તમે ઘણું બધુ ભૂલી જઇ શકો છો. જો ડ્રાઇનીંગ લેસન લેવાનું ચાલુ રાખો તો અઠવાડિયાના એક લેસન તરીકે 6 માસના સરેરાશ 25 લેસન માટે બીજા £750 ચૂકવવા પડશે.
રોગચાળાના કારણે ઘણાં લોકો ટેસ્ટની તારીખ નહિં મળવાના કારણે, ટેસ્ટમાં પાસ નહિં થવાના કારણે તેમની 2 વર્ષની થિયરીના સમયમર્યાદા પણ પૂરી થઇ ગઇ છે.