અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ન્યૂબર્ગ સુપ્રાટેક લેબોરેટરીઝ દ્વારા સંયુક્તપણે અમદાવાદ શહેરમાં બુધવારથી ગુજરાત યુનિવર્સિટી નજીકના જીએમડીસી મેદાનમાં ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટ ચાલુ કરવામાં આવ્યા હતા. ખાનગી લેબોરેટરીમાં લાઈનો ઓછી કરવા માટે આ ટેસ્ટિંગ સુવિધા ચાલુ કરાઈ હતી.
અમદાવાદ ડ્રાઇવ થ્રુ ટેસ્ટિંગની શરૂઆત થવા પર ડો. રાજીવ કુમાર ગુપ્તાએ બુધવારે ટ્વીટ કરી જણાવ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુપ્રાટેક લેબ્સના સહયોગથી દેશમાં પહેલીવાર અમદાવાદમાં ડ્રાઇવ થ્રુ ટેસ્ટિંગને ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. GMDC ગ્રાઉન્ડમાં બુધવારે બે કલાકમાં 600થી વધુ લોકોએ કારમાં બેસીને જ RT-PCR ટેસ્ટ કરાવ્યાં છે. જેને પગલે ટેસ્ટ માટે લાંબી લાઈનો થતી રોકવામાં તેમજ ઝડપી પરિણામ મેળવવા નાગરિકોને પ્રોત્સાહિત કરી શકાશે.