રોમા પોપટ અને વિનલ પટેલે કોવિડ પ્રતિબંધોને બાયપાસ કરીને એસેક્સના વિથામ પાસેના બ્રેક્સ્ટેડ પાર્કમાં ‘ડ્રાઇવ-ઇન વેડિંગ’ રચ્યા હતા. તેમની લગ્નની વિધિ મોટા સ્ક્રીન પર બતાવાઇ હતી અને તેમણે ગોલ્ફ કારમાં બેસીને ઉપસ્થિત લગભગ 250 મહેમાનોની કાર સામે જઇને મહેમાનોનું અભિવાદન ઝીલ્યું હતું. મહેમાનોએ પણ રોમા પોપટ અને વિનલ પટેલને તેમની કારમાંથી શુભેચ્છાઓ પાઠવી હતી.
30 વર્ષીય નવદંપતીના લગ્નમાં ઉપસ્થિત મહેમાનોને ભોજન, નાસ્તો, હેન્ડ જેલ વગેરે વેબસાઇટ પર કરેલા ઓર્ડર મુજબ વેઇટર્સ દ્વારા કારમાં જ અપાયા હતા. દંપતીએ કહ્યું હતું કે તે એક સુંદર દિવસ હતો પરંતુ સ્વીકાર્યું કે તે મૂળરૂપે જેની યોજના કરે છે તેનાથી તે થોડો અલગ હતો. ઇંગ્લેન્ડમાં કોરોનાવાયરસના કેસોમાં વધારો થતાં લગ્ન સમારોહમાં અને મહેમાનોની મહત્તમ સંખ્યા 30 લોકોથી ઘટાડીને 15 કરવામાં આવી છે. જ્યારે ઉજવણી ફક્ત “કોવિડ-સુરક્ષિત” સ્થળોએ થઈ શકે છે, અને મોટાભાગના સંજોગોમાં છ કરતા વધુ લોકો પર પ્રતિબંધ છે.
લગ્નના આયોજક સહેલી મીરપુરીએ કહ્યું હતું કે “એશિયન લગ્નના આયોજકો તરીકે, અમે મોટી સંખ્યામાં લોકોને આવકારીએ છીએ. પરંતુ હાલમાં તે ખૂબ મુશ્કેલ છે. આ દંપતીને શરૂઆતમાં મજાક તરીકે ડ્રાઇવ-ઇન વેડિંગનો વિચાર આવ્યો હતો પરંતુ તેના વિશે વાત કરતા તે શક્ય લાગ્યું હતું. આ વિચારની નકલ કરવા આતુર યુગલો તરફથી અમને ઘણા બધા કોલ્સ આવ્યા છે, તેથી તે એક નવો ટ્રેન્ડ હોઈ શકે.”