ડો. રૂમી છાપિયા નામના જીપીએ બે મહિનાથી ઓછા સમયમાં NHS ફંડના £1.1 મિલિયનની ચોરી કરી હોવાની ચોંકાવનારી કબુલાત કરી છે. તેમણે ચોરેલા £233,000 પરત ચૂકવી આપ્યા છે પરંતુ લગભગ £904,000 હજુ બાકી છે. ડૉ. રૂમી છાપિયાને હેલ્થકેર ગ્રુપ સાથે છેતરપિંડી કરવા બદલ હવે જેલની મોટી સજા ભોગવવી પડશે.
સાથી ડાયરેક્ટર બીમાર પડ્યા પછી સાઉથસી, હેમ્પશાયરના 45 વર્ષીય જીપીએ મોકો ઝડપી લઇ ચોરી કરી હતી. વકીલોનું કહેવું છે કે તેમને કેટલાક નિર્ણાયક બિઝનેસ એકાઉન્ટસનો વહિવટ કરવા મંજૂરી આપવામાં આવી હતી. જેનો લાભ લઇને તેમણે માત્ર 41 દિવસમાં આ રકમની ચોરી કરી હતી. જીપીને પોર્ટ્સમથ મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરાયા હતા જ્યાં તેમની સામે છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
ગુલાબી શર્ટ, ટાઇ અને ફેસ માસ્ક પહેરીને ડોકમાં ઉભા રહેલા ડૉ. છાપિયાએ ગુનો કબૂલી લીધો હતો. ફરિયાદી લ્યુસી લાઇનિંગ્ટને કોર્ટને જણાવ્યું હતું કે, ‘’41 દિવસના સમયગાળામાં ડૉક્ટરે £1,133,704.50ની ઉચાપત કરી છે. તેઓ ગુનાના સમયે પોર્ટ્સમથ પ્રાઇમરી કેર એલાયન્સ લિમિટેડના નિયુક્ત ડિરેક્ટર હતા. PPCA તરીકે ઓળખાતું ગૃપ 16 GP સર્જરીનું એક જૂથ છે જે પોર્ટ્સમથના લોકોને આઉટ ઓફ કેર સેવા પૂરી પાડે છે. તેમણે મૂકાયેલા વિશ્વાસનો દુરુપયોગ કર્યો હતો.
પોર્ટ્સમથના સાઉથસીના ડૉક્ટરને કહેવામાં આવ્યું હતું કે તેમનો ગુનો એટલો ગંભીર છે કે તેને ક્રાઉન કોર્ટમાં સજા થવી જ જોઇએ. તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો અને 22 ઓક્ટોબરે પોર્ટ્સમથ ક્રાઉન કોર્ટમાં હાજર થવાની અપેક્ષા છે.