કિંગ્સ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ અને NISAU દ્વારા ભારતીય રિઝર્વ બેંકના 23મા ગવર્નર ડૉ. રઘુરામ રાજનના એક પ્રવચનનું આયોજન તા. 6 જુલાઇના રોજ બુધવારે સાંજે કિંગ્સ કોલેજ લંડન ખાતે કરાયું હતું. જેમાં ડૉ. રાજને ભારતના આર્થિક વિકાસ માટે ઉદાર લોકશાહી શા માટે જરૂરી છે? વિષય પર મનનીય વક્તવ્ય આપ્યું હતું.
શિકાગો બૂથ ખાતે કેથરીન ડુસક મિલર ડિસ્ટિંગ્વિશ્ડ સર્વિસ પ્રોફેસર ઓફ ફાઇનાન્સ પ્રોફેસર રઘુરામ રાજને 2003 અને 2006ની વચ્ચે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડમાં મુખ્ય અર્થશાસ્ત્રી અને સંશોધન નિયામક તરીકે સેવો આપી હતી.
ડૉ. રાજને પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે ‘’ભારતના વિકાસ માટે ગામડાને શહેરો સુધીના રોડ રસ્તા મળે તે ખૂબ જ જરૂરી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધશે તો આવક, ખરીદી, ધંધો – રોજગાર અને વેપારમાં વધારો થશે. વાજપેઇજી જ્યારે વડા પ્રધાન હતા ત્યારે તેમણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રાધાન્ય આપીને બધા ક્ષેત્રે વધારો કર્યો હતો. વિકાસ માટે સ્કૂલીંગ અને સ્કીલીંગ વધારવું જરૂરી છે. બાળકોને શાળાઓમાં પરત લાવવા જરૂરી છે. પરંતુ બાળકો પાછળ વધુ નાણાં ફાળવવામાં આવ્યા નથી. તામિલનાડુ સરકાર કોલેજ જતી કન્યાને મહિને રૂપિયા 1,000 આપે છે. આવું ભારતમાં બધે થવું જોઇએ.’’
આજે ભારતનો 10 ટકાનો ગ્રોથ છે પરંતુ તે ક્યાં જાય છે? હાલની સરકાર આત્મનિર્ભર ભારત માટે પ્રયાસ કરે છે અને બજેટમાં પણ કનેક્ટીંગ અને લોજીસ્ટીક પાછળ બહુ જોર અપાયું છે. 1995માં ભારત – ચાઇનાનો વિકાસ સરખો હતો. પણ આજે ચાઇના ત્રાણ ગણું આગળ છે. ચાઇનાએ કામદારોનો પગાર ઓછો કરીને આ પ્રગતિ મેળવી છે અને બહોળો નફો રળ્યો છે. ચીનનો માર્ગ આપણા માટે બરાબર નથી. ભારતમાં સારા ઉત્પાદન નહિં થવા પાછળ ઘણાં કારણો જવાબદાર છે.’’
સેલફોન અને એમ્બેસડર કારનું ઉદાહરણ આપીને જણાવ્યું હતું કે ‘’ભારતના ઉત્પાદકો સબસીડી લે છે પણ તેનો ઉપયોગ રીસર્ચ એન્ડ ડેવલમેન્ટ માટે કરતા નથી. આપણો દેશ સર્વિસ એક્સપોર્ટ કરવામાં માહેર છે. ડૉક્ટર્સ અને સોફ્ટવેર એન્જીનીયર્સની જોબ્સ બીજી વધુ જોબ્સ ઉભી કરે છે.’’
લધુમતીને નજર અંદાજ નહિં કરવા સલાહ આપી આજના શ્રીલંકાનું ઉદાહરણ રજૂ કરતાં જણાવ્યું હતું કે ‘’સરકારને ડીસેન્ટ્રલાઇઝ્ડ કરી લોકોને એમ્પાવર કરવા જોઇએ. લોકોની ક્ષમતા વધારવી જોઇએ. ડેટાના આધારે પ્રગતિ શક્ય હોવાથી ડેટા સાચા મળે તે જરૂરી છે. આપણે વિકાસ માટે બિઝનેસ એન્વાયર્નમેન્ટ બનાવવું પડશે. આપણે ઘણી બાબતો પર કામ કરવાની જરૂર છે. લોકોને અપ ટુ માર્ક બનાવવાના છે.’’
તેમણે પ્રશ્નોની જવાબ આપતાં જણાવ્યું હતું કે ‘’આપણે નવા સીટી બનાવવાની જરૂર નથી તેમને સાંકળવાની જરૂર છે. તે માટે ફંડની બહુ જ જરૂર છે. નવા સીટી માટે પ્લાનિંગ કમિશન છે જ. ક્રિપ્ટો કરન્સી પર બહુ બધી આશા રાખવી વ્યર્થ છે અને સાવચેતી રાખવી બહુ જરૂરી છે.’’
તેમણે ગરવી ગુજરાત અને ઇસ્ટર્ન આઇના પ્રતિનિધિના ભારત યુકે વચ્ચેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ વિષેના પ્રશ્ન બાબતે બહુ ખબર ન હોવાનું સ્વીકારી ઉત્તર આપવા અસમર્થતા જાહેર કરી હતી. તેમણે ભારતમાં નોકરીઓમાં અપાતા અનામતના લાભને એક પેઢીથી આગળ ન વધારવો જોઇએ તેવો મત પણ વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમ કિંગ્સ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ (@KingsIndiaInst) અને નેશનલ ઈન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમની યુનિયન (@NISAU_UK) દ્વારા ભારતની આઝાદીના 75 વર્ષ અને NISAUની દસમી વર્ષગાંઠ નિમિત્તે સંયુક્ત રીતે આયોજિત કરાયો હતો.